Site icon Revoi.in

જ્યોતિ મલ્હોત્રાના મોબાઈલ-લેપટોપમાંથી મળેલા 12 ટીબી ડેટાની કરાશે તપાસ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને કડક સુરક્ષા વચ્ચે સિવિલ જજ સુનિલ કુમારની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે જ્યોતિના લેપટોપ અને મોબાઇલમાંથી 12 ટેરાબાઇટ (ટીબી) ડેટા મળી આવ્યો છે, જેનું વિશ્લેષણ કરવામાં સમય લાગશે. પોલીસે રિમાન્ડનો સમયગાળો વધારવાની માંગણી કરી ન હતી. માત્ર 10 મિનિટની સુનાવણી બાદ કોર્ટે જ્યોતિ મલ્હોત્રાને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી હતી. આ કેસમાં આગામી સુનાવણી 9 જૂને થશે.

ચાર દિવસના રિમાન્ડનો સમયગાળો પૂર્ણ થયા બાદ, સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન જ્યોતિને લઈને કોર્ટમાં પહોંચી હતી. સરકાર વતી પ્રોસિક્યુશન વિભાગના સહાયક જિલ્લા વકીલ મનદીપ બારડકે પોતાનો કેસ રજૂ કર્યો હતો. જ્યારે જ્યોતિ મલ્હોત્રાએ કોઈ ખાનગી વકીલ રાખ્યો ન હતો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના જોગમણી શર્મા, નીતિન કુમાર અને દીપક કુમારે તેના વતી પોતાનો કેસ રજૂ કર્યો હતો.

તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર નિર્મલાએ કોર્ટને જણાવ્યું કે જ્યોતિના લેપટોપ અને મોબાઇલમાંથી 12 ટીબી ડેટા મળી આવ્યો છે. આની વિગતવાર તપાસ કરવામાં સમય લાગશે. તેથી, હાલ પૂરતું, જ્યોતિને ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકાય છે. આ પછી કોર્ટે બીજા પક્ષ પાસેથી કંઈ પૂછ્યું નહીં. સુનાવણી દરમિયાન જ્યોતિએ પણ કંઈ કહ્યું નહીં. તેમનું પ્રતિનિધિત્વ કરી રહેલા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના વકીલોએ પણ કોઈ દલીલ કરી ન હતી. પોલીસે જ્યોતિના ત્રણ મોબાઈલ ફોન અને એક લેપટોપ ફોરેન્સિક તપાસ માટે કરનાલ સ્થિત મધુબન લેબમાં મોકલ્યા છે. જ્યોતિના ચાર બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Exit mobile version