Site icon Revoi.in

ગાંધીનગરમાં સેક્ટર 28 અને 29માં સરકારી કર્મચારીઓ માટે 1400 ફ્લેટ્સ બનાવાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિવિધ વિભાગોની અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ઉપરાંત બોર્ડ-નિગમોની મુખ્ય કચેરીઓ પણ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા ક્વાટર આપવામાં આવતા હોય છે. છેલ્લા ચાર દાયકા જુના ક્વાટર જર્જરિત થતાં સરકાર દ્વારા ક્વાટર ખાલી કરાવીને તેના સ્થાને નવા બહુમાળી બિલ્ડિંગો બનાવવાનું આયોજન છે. હાલ સરકારી મકાનો મેળવવા માટે કર્મચારીઓનું લાંબુ વેઈટિંગ લિસ્ટ છે. વેઇટિંગ લિસ્ટ 5 હજારને પાર કરી ગયું છે ત્યારે જૂના આવાસો તોડી નવા ફ્લેટ ટાઇપ ક્વાર્ટર બનાવવાની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જૂના ભયજનક આવાસો તોડી તે જગ્યા ખુલ્લી કરી નવા આવાસ માટે પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઇ છે. જે મુજબ સેક્ટર- 28 અને 29માં આશરે 1400 નવા આવાસો બનાવવાનો નિર્ણંય લેવામાં આવ્યો છે.

પાટનગર ગાંધીનગરમાં સેક્ટર 28 અને 29માં સરકારી આવાસોની ટાવર ટાઇપ કોલોની બનાવવા રૂ. 600 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગાંધીનગરના સેક્ટર 6, 7, 28, 29 અને 30માં નવા આવાસોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જોકે, છેલ્લા ઘણા સમયથી જર્જરિત આવાસો તોડી પાડવામાં આવ્યા બાદ નવી ટાવર ટાઇપ કોલોની તૈયાર કરવા માટે ખુલ્લી જગ્યાનો સર્વે અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસના આધારે ઉચ્ચ કક્ષાએ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા બાદ સેક્ટર- 28 અને 29ને નવા આવાસોના નિર્માણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ બંને સેક્ટરોમાં અંદાજિત 1400 જેટલા મકાનો બાંધવામાં આવશે. નવા આવાસોના નિર્માણ માટે એસ્ટીમેટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પાંચ અલગ-અલગ ટેન્ડર બહાર પાડીને આ કામગીરી શરૂ કરવામાં આવશે. અંદાજિત રૂ 600 કરોડના ખર્ચે આ આવાસ યોજના પૂર્ણ થશે. આવાસ યોજના તૈયાર થતાં હજુ બેથી ત્રણ વર્ષ લાગશે.