1. Home
  2. ગુજરાતી
  3. 1951-52થી 2019ની લોકસભાની ચૂંટણી: સત્તાના શિખરથી કારમા પરાજયો સુધીની કૉંગ્રેસની સફર, ક્યારેય મેળવી શકી નથી 50%થી વધુ વોટ
1951-52થી 2019ની લોકસભાની ચૂંટણી: સત્તાના શિખરથી કારમા પરાજયો સુધીની કૉંગ્રેસની સફર, ક્યારેય મેળવી શકી નથી 50%થી વધુ વોટ

1951-52થી 2019ની લોકસભાની ચૂંટણી: સત્તાના શિખરથી કારમા પરાજયો સુધીની કૉંગ્રેસની સફર, ક્યારેય મેળવી શકી નથી 50%થી વધુ વોટ

0
Social Share
  • આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ

દેશ પર સૌથી વધુ સમય શાસન કરનારી અને હાલમાં સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનો 1952થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં દેખાવ જોઈએ, તો તેના વળતાપાણીનો અંદાજ પણ આવી શકે છે.

કોંગ્રેસ પાર્ટી 1952થી 1971 સુધીની લોકસભા ચૂંટણીઓ ખુબ આસાનીથી જીતી હતી. જો કે કટોકટી બાદ યોજાયેલી ચૂંટણીમાં જનતા મોરચાની સામે કોંગ્રેસને હાર ખાવી પડી હતી. આઝાદી પછી પહેલી વખત કોંગ્રેસ 1977ની લોકસભાની ચૂંટણીમાં સત્તાની બહાર ગઈ હતી અને તેને વિપક્ષમાં બેસવું પડયું હતું. જો કે આ સમયગાળો ઘણો ટૂંકો હતો. જનતા મોરચાની સરકાર તૂટી અને તેની સાથે 1980માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તામાં આવી.

બાદમાં 1984માં પણ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી ચૂંટણીમાં સિમ્પથી વેવે કોંગ્રેસને સૌથી મોટી જીત અપાવી હતી. 1989માં બોફોર્સ કટકી કાંડના રાજીવ ગાંધી સામેના આરોપો બાદ વી. પી. સિંહના નેતૃત્વમાં વિપક્ષી દળોના ગઠબંધને કોંગ્રેસને હરાવીને સત્તા પ્રાપ્ત કરી હતી. આ સરકાર પણ ઓછો સમય ચાલી અને 1991માં થયેલી ચૂંટણીમાં રાજીવ ગાંધીની હત્યાના કારણે સિમ્પથી વેવ વચ્ચે કોંગ્રેસની પી. વી. નરસિમ્હાના નેતૃત્વમાં લઘુમતી સરકાર કેન્દ્રની સત્તામાં આવી હતી.

1996માં પણ કોંગ્રેસના વળતાપાણી વચ્ચે ગઠબંધન સરકારોનો યુગ શરૂ થયો હતો. 1998, 1999માં કોંગ્રેસને જનાદેશ મળ્યો નહીં અને વિપક્ષમાં બેસવું પડયું. જો કે 2004 અને 2009 દરમિયાન કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને સરકાર ચલાવવાના મોકા મળ્યા. પરંતુ ફરી એકવાર 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેના ઈતિહાસનું સૌથી નબળું પ્રદર્શન કરીને કારમી હારનો સમાનો કર્યો હતો.

કોંગ્રેસને 1984ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 415 બેઠકો અને સૌથી વધુ 48.1 ટકા વોટ મળ્યા હતા. જ્યારે 2014માં કોંગ્રેસને તેના ઈતિહાસની સૌથી ઓછી 44 બેઠકો અને સૌથી ઓછા 19.6 ટકા વોટ મળ્યા હતા.

લોકસભા ચૂંટણીઓમાં કૉંગ્રેસનું પ્રદર્શન:

વર્ષ                                 બેઠક                               વોટ

2019                             52                                 19.7 %

2014                             44                                 19.6 %

2009                             206                               28.6 %

2004                             145                               26.5 %

1999                             114                               28.3 %

1998                             141                               25.8 %

1996                             140                               28.8 %

1991                             244                               36.4 %

1989                             197                               39.5 %

1984                             415                               48.1 %

1980                             353                               42.7%

1977                             154                               34.5 %

1971                             352                               43.7 %

1967                             283                               40.8 %

1962                             361                               44.7 %

1957                             371                               47.8 %

1952                             364                               45.0 %


કોંગ્રેસના સત્તામાં બહાર રહેવા દરમિયાન ભારતમાં એવી દલીલો કરવામાં આવે છે કે વિજેતા પક્ષને દેશના 50 ટકાથી ઓછા વોટર્સનું સમર્થન છે. જો કે 1952થી 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા વોટની ટકાવારીની વાત કરીએ, તો એકપણ વખત કોંગ્રેસે 50 ટકાથી વધુ વોટ પ્રાપ્ત કર્યા નથી.

કોંગ્રેસે 1952, 1957 અને 1984ની લોકસભા ચૂંટણીઓમાં જ 45 ટકાથી 49 ટકા વચ્ચે વોટ પ્રાપ્ત કર્યા હતા.

કોંગ્રેસે 1962, 1967, 1971, 1980 40 ટકાથી 45 ટકા વચ્ચે વોટ પ્રાપ્ત કર્યા હતા

કોંગ્રેસે 1980, 1989માં 35થી 40 ટકાની વચ્ચે વોટ પ્રાપ્ત કર્યા હતા

કોંગ્રેસે 1977, 1996, 1998, 1999, 2004, 2009માં 25થી 30 ટકા વચ્ચે વોટ પ્રાપ્ત કર્યા હતા

2014, 2019માં કોંગ્રેસને 20 ટકાથી ઓછા વોટ પ્રાપ્ત કર્યા

લોકશાહીમાં 50 ટકાથી વધુ વોટ મળે, તો વધુ મજબૂત જનાદેશ ગણાય. પરંતુ ભારતની રાજકીય વ્યવસ્થા મલ્ટી પાર્ટી છે. એક બેઠક પર ઉમેદવારીનો આંકડો મર્યાદીત નથી.આવા સંજોગોમાં વોટ વહેંચાય અને તેને કારણે 50 ટકાથી વધુ વોટ મળવાની સંભાવનાઓ અત્યાર સુધી તો ભારતીય લોકશાહીના ઈતિહાસમાં જોવા મળી નથી. જ્યારે કોંગ્રેસ સિવાયના પક્ષ લોકસભાની ચૂંટણીમાં જીતીને સત્તામાં આવે, ત્યારે 50 ટકાથી ઓછા વોટ મળ્યાના તર્કો આપનારાઓએ આ આંકડા પર પણ નજર કરવી જોઈએ. ભારતીય લોકશાહીની ખૂબી પણ આ જ છે કે બહુપક્ષીય વ્યવસ્થા હોવાને કારણે તમામ પ્રકારના અભિપ્રાય પોતાની વાચા આપી શકે છે અને તેમાથી બહુમતી ધરાવતા પક્ષ કે ગઠબંધન સત્તામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code