Site icon Revoi.in

ગુજરાતમાં લીલા નાળિયેરના ઉત્પાદનમાં 20 ટકાનો વધારો, વાર્ષિક 26 કરોડનું ઉત્પાદન

Social Share

ગાંધીનગર, 13 મે 2026 : 20 percent increase in green coconut production  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું કૃષિ ક્ષેત્ર પરંપરાગત ખેતીમાંથી આધુનિક, ટેક્નોલૉજી-આધારિત અને નિકાસલક્ષી ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ પરંપરાગત પાકો ઉપરાંત બાગાયતી પાકો અને મૂલ્યવર્ધિત ખેતીને સતત પ્રોત્સાહન મળતા ખેડૂતોની આવકમાં વધારો થયો છે. રાજ્યનો વિશાળ દરિયાકાંઠો નાળિયેરની ખેતી માટે અનુકૂળ હોવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ટેન્ડર કોકોનટની વધતી માંગ અને દરિયાકાંઠાના વિસ્તરણને કારણે ગુજરાતે નાળિયેરની ખેતીમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદન અંદાજે 20% વધ્યું

છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં ટેન્ડર કોકોનટના ઉત્પાદનમાં અંદાજે 20 ટકાનો વધારો થયો છે. આજે ખેડૂતો વાર્ષિક લગભગ 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન કરે છે. આ આંકડો દર્શાવે છે કે, ગુજરાત બાગાયત ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યના આશરે 28,000 હેક્ટર વિસ્તારમાં નાળિયેરની ખેતી કરવામાં આવે છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, નવસારી, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓનો મહત્વનો ફાળો છે. વર્ષ 2024-25ના આંકડા મુજબ, રાજ્યમાં ટેન્ડર કોકોનટની સરેરાશ ઉત્પાદકતા આશરે 9.26 હજાર પ્રતિ હેક્ટર છે.

ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે, 75% સુધીની સબસિડી

રાજ્યના ખેડૂતો બાગાયત પાકો અને મૂલ્યવર્ધન તરફ વળે એ માટે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાથે જ, ખેડૂતો પર આર્થિક બોજ ન આવે તે માટે નાળિયેરના વાવેતર પર 75 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. ઉપરાંત, મલ્ચિંગ અને ઈન્ટિગ્રેટેડ પેસ્ટ મૅનેજમેન્ટ જેવી પદ્ધતિઓના ઉપયોગથી પાકની ઉત્પાદકતા વધારવામાં મદદ મળી રહે તે હેતુથી તેમાં પણ સહાય આપવામાં આવે છે. આ સિવાય બાગાયત ખાતા હેઠળની નર્સરી પરથી નાળિયેરીના ઊંચી જાત, ઠીંગણી જાત અને હાઈબ્રિડ જાતોના સારી ગુણવતાવાળા રોપા મળી રહે છે. તેમજ ગુજરાત ગ્રીન રિવોલ્યૂશન કંપની લિમિટેડ દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિમાં સહાય આપવામાં આવે છે.

Exit mobile version