
યુક્રેનમાંથી ઓરપેશન ગંગા મારફતે 20 હજાર ભારતીય નાગરિકોને પરત ભારત લવાયાઃ એસ.જયશંકર
નવી દિલ્હીઃ રશિયાની સૈન્ય કાર્યવાહીનો સામનો કરતા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓરપેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ આટલું મોટુ ઓપરેશન કોઈ સ્તર પર આજ સુધી નહીં હાથ ધરાયું. તેમજ લોકસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, એક દેશના વિદેશ મંત્રીએ મારી સામે ગર્વથી કહ્યું કે તેઓ યુક્રેનથી તેમના નાગરિકોને બે વિમાનમાં પાછા લાવ્યા છે અને જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું હતું કે, ભારત ‘ઓપરેશન ગંગા’ હેઠળ 90 વિમાનોમાંથી નાગરિકોને લાવ્યું છે. આ સાંભળીને અન્ય દેશના વિદેશ મંત્રી પણ ચોંકી ઉઠ્યાં હતા.
વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે ઓપરેશન શરૂ કરનાર ભારત પહેલો દેશ હતો. “હું ભારપૂર્વક કહી શકું છું કે ભારતે યુક્રેનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે પ્રથમ ઓપરેશન શરૂ કર્યું,”. તેમણે દાવો કર્યો હતો કે આજ સુધી કોઈ દેશે ભારત જેવા મોટા પાયા પર ઈવેક્યુએશન ઓપરેશન હાથ ધર્યું નથી., ‘અમે અમારા 20 હજાર નાગરિકો લાવ્યા અને અન્ય દેશોના નાગરિકોને બહાર કાઢ્યા. આ કામ બીજા કોઈ દેશે કર્યું નથી.
24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં ભારતે ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે ‘ઓપરેશન ગંગા’ હાથ ધર્યું હતું, જે અંતર્ગત અન્ય દેશોના નાગરિકોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચાર પ્રધાનોને ઓપરેશન ગંગા ચલાવવાની જવાબદારી આપીને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલ્યા હતા. તે મંત્રીઓએ સંસદમાં પોતાના અનુભવો કહ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયંશકરે કહ્યું કે, કેન્દ્ર સરકારના ચાર મંત્રીઓએ ગૃહને ઓપરેશન ગંગાના તેમના અનુભવો વિશે માહિતગાર કર્યા હતા. તમામ મંત્રીઓ યુક્રેનની આસપાસના દેશોમાંથી ઓપરેશન ગંગાની કામગીરીની દેખરેખ રાખતા હતા.