- પોલીસની નેત્રમની ટીમે સીસીટીવીના આધારે ટ્રાફિક ભંગ કરનારાને ઈ-મેમો આપ્યો હતો,
- 759 વાહનચાલકો ચાલુ વાહને મોબાઇલમાં વાત કરતા પકડાયા હતા
- 13મી યોજાનારી લોક અદાલતમાં 2161 વાહનચાલકોને હાજર રહેવા જણાવાયુ
સુરેન્દ્રનગરઃ શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. શહેરના મુખ્ય રસ્તાઓને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. અને પોલીસની નેત્રમની ટીમ કંટ્રોલ રૂમમાંથી ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો પર સતત નજર રાખીને નિયમોનો ભંગ કરનારને ઈ-મેમો ફટકારવામાં આવે છે. પણ ઈ-મેમો મળ્યા બાદ પણ વાહનચાલકો દંડ ભરતા નથી. અને ઇચલણનો દંડ ભરવામાં ઠાગા ઠૈયા કરી રહ્યા છે. ત્યારે કુલ 2161 વાહનચાલકોએ દંડ ન ભર્યો હોય તેમના માટે આગામી તા.13 ડિસેમ્બરના રોજ લોકોઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. અને વાહનચાલકોને જવાહર ગ્રાઉન્ડ સામે, નેત્રમની ઓફિસ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેવા જણાવાયુ છે.
સુરેન્દ્રનગર શહેરમાં કેટલાક વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. રોંગ સાઈડમાં વાહનો ચલાવવા, ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરવી, બંધ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો, પૂર ઝડપે વાહને ચલાવવા સહિતના ગુના નોંધીને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો ફટકારવામાં આવતો હોય છે. ચાલુ વાહને મોબાઇલમાં વાત કરવાને કારણે અનેક અકસ્માતો થઇ રહ્યા છે. આ વાત જાણતા હોવા છતા લોકો ચાલુ વાહને વાત કરવાનું ટાળતા નથી. ઈ-મેમો ફટકારવામાં આવ્યો છે. જેમાં 759 વાહનચાલકો એવા છે, કે જે ચાલુ વાહને મોબાઈલમાં વાત કરતા પકડાયેલા છે. કેટલાક વાહનચાલકો એવા છે કે, તેમને બેથી વધુ ઈ-મેમો મળેલા છે. આવા વાહનચાલકો માટે 13મી ડિસેમ્બરે લાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રાફિક પોલીસના કહેવા મુજબ ઈ-મેમો મળ્યા છે એવા વાહનચાલકો દંડ ભરશે તો કોઇ કાર્યવાહી નહીં થાય. આ ઉપરાંત લોકો રોકડમાં કે ગુગલ પે, ફોન પે કે પછી એસબીઆઇ યોનો એપ્લિકેશન દ્વારા પણ દંડ ભરી શકાશે. આ ઉપરાંત દંડ ભરવા માટે એક વેબસાઇડ પણ બનાવવામાં આવી છે. જેના માધ્યમથી પણ લોકો પોતાનો દંડ ભરી શકશે.

