Site icon Revoi.in

ગુજરાતમાં ભારે વરસાદને લીધે પાણી ભરાતા 22 સ્ટેટ હાઈવે બંધ, ST અને ટ્રેન વ્યવહાર પ્રભાવિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા શ્રાવણોત્સવ મનાવી રહ્યા છે. ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તેમજ ત્રણ ટ્રેનને અસર પહોંચી છે. આ ઉપરાંત એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 583 ટ્રિપ રદ કરવામાં આવી છે. સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ ,ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રિપ અને રૂટ રદ થયા છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાતા 22 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 37 અન્ય રોડ પણ બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત પંચાયત વિભાગ હસ્તકના 549 રોડ પર પાણી ભરાયેલા હોવાથી વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આમ કૂલ 608 રોડ-રસ્તાઓ બંધ છે. આજે બપોર સુધીમાં 242 તાલુકામાં વરસાદ પડ્યો છે. અને હજુ ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં પાણી ભરાવવાના કારણે 608 માર્ગો બંધ હોવાથી એસટીના 64 રૂટ્સ બંધ કરાયા છે. જેમાં દાહોદ- 15 રૂટ, 242 ટ્રિપ. મહીસાગર- 10 રૂટ, 112 ટ્રિપ, પંચમહાલ- 5 રૂટ, 63 ટ્રિપ, આણંદ- 6 રૂટ, 12 ટ્રિપ, ખેડા- 7 રૂટ, 18 ટ્રિપ, સુરત- 5 રૂટ, 14 ટ્રિપ, નવસારી- 3 રૂટ, 43 ટ્રિપ ,વલસાડ- 8 રૂટ, 27 ટ્રિપનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી હતી. જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી હતી. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે. વરસાદને કારણે બંધ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 09400 – અમદાવાદ – 26.08.24ની આણંદ મેમુ ટ્રેન, તથા ટ્રેન નંબર 09315 – વડોદરા – અમદાવાદ 26.08.24ની મેમુ ટ્રેન અને ટ્રેન નંબર 09274 – અમદાવાદ – 26.08.24ની આણંદ મેમુ ટ્રેનનો સમાવેશ થાય છે.

#GujaratRainDisruption #HeavyRainImpact #STRoutesCancelled #RoadClosuresGujarat #FloodedRoads #RailwayServicesAffected #AhmedabadMumbaiRailway #STBusCancellations #PanchayatRoadsClosed #GujaratStateHighways #MonsoonTravelDisruption #TrainDelaysGujarat #STBusRoutesUpdate #FloodAlertsGujarat #GujaratHeavyRain #RailwayCancellations