Site icon Revoi.in

ગુજરાતમાં રૂપિયા 663 કરોડના ખર્ચે 2666 ગામોને મળશે પોતિકા પંચાયત ઘર

Social Share

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધીનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

રાજ્યના આ ૨૬૬૬ ગામોમાં કુલ રૂ. ૬૬૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો.

તેમણે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોન્ચીંગ પણ પંચાયત મંત્રી  રૂષિકેશભાઈ પટેલ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી  રમણભાઈ સોલંકી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી  સંજયસિંહ મહિડા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યુ હતુ.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના ૧૧૪ તાલુકા મથકના એવા ગામો જે તાલુકા મથક છે પરંતુ નગરપાલિકા નથી તેને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ના પ્રથમ તબક્કામાં આવરી લઈને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ, કોમ્યુનિટી હોલ સહિતની શહેરી સમકક્ષ આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, શહેરો પરનું ભારણ ઓછું થાય અને શહેરો જેવી જ સુવિધાઓ ગામોમાં મળે તેવા આશયથી આગામી સમયમાં રાજ્યમાં ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. આના પરિણામે ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટશે તથા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો વડાપ્રધાનએ આપેલો મંત્ર સમગ્ર અને સંતુલિત વિકાસથી સાકાર થશે.

પંચાયત અને ગૃહ નિર્માણ મંત્રી  ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં  રૂ. ૬૬૩ કરોડના ખર્ચે સમગ્ર રાજ્યમાં ૨૬૬૬ ગ્રામ પંચાયત ભવનોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેનાથી ગુજરાતના ગામડાઓના વિકાસ માટે નવી દિશા મળશે તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં સરપંચ અને તલાટી કમ મંત્રી એક જ જગ્યાએ બેસીને ગામડાના વિકાસ માટે  નક્કર કાર્ય કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૦ હજારથી વધુ આધુનિક  ગ્રામ સચિવાલય બનાવવાની નેમ વ્યક્ત કરીને મહાત્મા ગાંધીની કથન “ગામડાઓમાં ભારતનો આત્મા વસે છે” તેને સાચા અર્થમાં સાર્થક કર્યું છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.

Exit mobile version