Site icon Revoi.in

સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર 3.56 લાખ ભક્તોએ બિલ્વપૂજા કરી

Social Share

સોમનાથઃ મહાશિવરાત્રી પર બિલ્વપૂજા નોંધાવનારા 3.56 લાખ જેટલા ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ. મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર ₹25માં બિલ્વપૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી. આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી. જ્યાં 3.56 લાખથી વધુ ભક્તોએ એકસાથે એક જ પૂજામાં ભાગ લીધો હતો, જે એક અનોખો વિક્રમ છે. દેશભરના તમામ રાજ્યોમાંથી ભક્તોએ વિશેષ બિલ્વપૂજાને ઉલ્લેખનીય પ્રતિસાદ આપ્યો.

વિશ્વના સૌથી વિશાળ પોસ્ટ નેટવર્ક ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આ પ્રસાદ વિતરણમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. જેથી 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસ મારફતે કૃપાપ્રસાદ દેશભરના ભક્તો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. 

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોએ બુક કરેલા સરનામે સન્માનપત્ર, રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર સમાવવા સાથે વિશેષ એન્વેલપ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે દરરોજ 100 જેટલા સ્થાનિક યુવક-યુવતીઓ આ સેવાકાર્યમાં જોડાઈ એન્વેલપ તૈયાર કરી રહ્યા છે, જેનાથી રોજગારની નવી તક પણ સર્જાઈ છે. સોમનાથ મંદિર ખાતેથી 70 હજાર જેટલા કવરોનું પ્રસ્થાન શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટર ડી.ડી. જાડેજા અને સચિવ યોગેન્દ્ર દેસાઈના હસ્તે કરવામાં આવ્યું.  

Exit mobile version