Site icon Revoi.in

રાજકોટ હોસ્પિટલના CCTV કાંડમાં અત્યાર સુધીમાં 3ની ધરપકડ, તપાસમાં થયાં ચોંકાવનારા ખુલાસા

Social Share

અમદાવાદઃ હોસ્પિટલમાં સારવાર કરાવવા જતી મહિલાઓ, સ્નાન કરતી મહિલાઓ કે જિમમાં કસરત કરી રહેલી મહિલાઓના સીસીટીવી ફુટેજ હેક કરી તેને ઓનલાઈન વેચનારા સમાચાર સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો. રાજકોટની પાયલ હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલી મહિલાઓના વીડિયો પણ યૂટ્યૂબ અને ટેલીગ્રામ પર વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

મેઘા MBBS નામની યુટ્યૂબ ચેનલ અને મેઘા ડિમોસ ગૃપ નામની ટેલિગ્રામ ચેનલમાં મહિલાઓની જાણ બહારના અંગત CCTV ફૂટેજનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો હતો. જેમાં ખાનગી બાથરૂમ, જાહેર બાથરૂમ, ગાયનેક હોસ્પિટલ અને એટલું જ નહીં નદીઓમાં ધાર્મિક સ્નાન દરમિયાનના મહિલાઓના વીડિયો પણ મૂકવામાં આવ્યા હતા. ત્યારે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.

ક્રાઈમ બ્રાન્ચે આવેલી માહિતી પ્રમાણે એક આરોપીનું નામ પ્રજવલ અશોક તૌલી છે, જે ધોરણ 12 પાસ છે. બીજો આરોપી વ્રજ રાજેન્દ્ર પાટીલ છે, જે પણ ધોરણ 12 સુધી ભણેલો છે. જ્યારે ત્રીજો આરોપી ચંદ્રપ્રકાશ મૂલચંદ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને ગુજરાત લાવી આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. રોમાનિયા અને એટલાન્ટાના હેકર્સના સંપર્કમાં આ આરોપીઓ હતા. આ ત્રણેય આરોપીઓ એક વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા હતા. 

હજુ સુધી હોસ્પિટલના સ્ટાફની કોઈ ભૂમિકા સામે આવી નથી. આરોપીઓના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરવામાં આવશે. એક વીડિયો માટે 800 રૂપિયાથી લઈ 2000 રૂપિયા સુધી ચાર્જ લેતા હતા. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે ડિસેમ્બર મહિનાથી રાજકોટની પાયલ હોસ્પિટલના વીડિયો હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જેમાં માર્ચ મહિનામાં આરોપીઓને સફળતા મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે લાતુર, ગુડગાંવ અને પ્રયાગરાજથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો ભાડાના મકાનમાં આ કામગીરી કરી રહ્યાં હતા. 

Exit mobile version