Site icon Revoi.in

ગુજરાતમાં 24 કલાકમાં અકસ્માતના 6 બનાવોમાં 3ના મોત,4ને ગંભીર ઈજા

Social Share

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026:  રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે, છેલ્લા 24 કલાકમાં રોડ અકસ્માતોના 6 બનાવો બન્યા છે. જેમાં ત્રણના મોત અને ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા છે. પ્રથામ અકસ્માતનો બનાવ સાણંદના ગીબપુરા રેલવે બ્રીજ નજીક બાઈક સ્લીપ થતાં બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યુ હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ થરાદ નજીક ભારતમાલા હાઈવે પર મલુપુર પુલિયા પાસે ટ્રક પુલના પીલ્લર સાથે અથડાતા ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્રીજા અકસ્માતમાં પ્રાંતિજ ટોલ ટેક્સ પાસે મોડી રાત્રે પ્લાયવુડની શીટો ભરેલા એક કન્ટેનરની પાછળ લોખંડના સળિયા ભરેલું ટ્રેલર પૂરપાટ ઝડપે ઘુસી ગયું હતું. જેમાં એકનું મોત નિપજ્યુ હતું. જ્યારે એકને ગંભીર ઈજા થઈ છે. અકસ્માતના ચોથા બનાવમાં વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 પર સુંદરપુરા પાટિયા પાસે કારે બાઈક સવારને જોરદાર ટક્કર મારતા વડસર ગામના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક યુવકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતના પાંચમા બનાવમાં ડાંગના સાપુતારા માલેગાંવ ઘાટ વિસ્તારમાં પલટી ગયેલી એક ટ્રક સાથે પાછળથી આવતી બીજી ટ્રક અથડાતા બેને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતના 6ઠ્ઠા બનાવમાં જામનગર શહેરના રણજીતસાગર રોડ પર વહેલી સવારે હિટ એન્ડ રનની એક ઘટના બની હતી. વોકિંગ કરવા નીકળેલા એક નિર્દોષ યુવકને બેફિકરાઈથી આવતા કાર ચાલકે હડફેટે લીધો હતો.

પ્રથમ અકસ્માતની વિગત એવી છે કે, સાણંદના ગીબપુરા રેલવે બ્રીજ નજીક ગત સાંજે એક અકસ્માત સર્જાયો હતો. ખરીદી કરીને પરત ફરી રહેલા એક આશાસ્પદ યુવાનની મોપેડ અચાનક સ્લિપ થઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતક યુવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માતના બીજો બનાવ બનાસકાંઠાના થરાદ નજીક ભારતમાલા હાઈવે પર મલુપુર પુલિયા પાસે સર્જાયો હતો. રાજસ્થાનથી સાંતલપુર જતી એક ટ્રક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવાને કારણે પુલિયા સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ટ્રકના કેબિનનો કૂચડો બોલી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો ભુક્કો વળી ગયો હોવા છતાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો,

અકસ્માતનો ત્રીજો બનાવ સાબરકાંઠામાં પ્રાંતિજ ટોલ ટેક્સ પાસે મોડી રાત્રે સર્જાયો હતો પ્લાયવુડની શીટો ભરેલા એક કન્ટેનરની પાછળ લોખંડના સળિયા ભરેલું ટ્રેલર પૂરપાટ ઝડપે ઘુસી ગયું હતું. ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે કેબિનમાં ફસાયેલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફાયર વિભાગની ટીમ અને પોલીસે ભારે જહેમત બાદ પતરા કાપીને મૃતદેહને બહાર કાઢ્યો હતો, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો છે.

અકસ્માતનો ચોથો બનાવ વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 પર સુંદરપુરા પાટિયા સામે એક વિચિત્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એક બેફામ ગતિએ આવતી કારે બાઈક સવારને જોરદાર ટક્કર મારતા વડસર ગામના મુકેશ ચૌહાણ નામના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક યુવકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.

અકસ્માતના 5મો બનાવમાં સાપુતારા માલેગાંવ ઘાટ વિસ્તારમાં અગાઉ પલટી ગયેલી એક ટ્રક સાથે પાછળથી આવતી બીજી ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બીજી ટ્રકના ચાલક અને ક્લીનર કેબિનમાં જ ફસાઈ ગયા હતા. સાપુતારા પોલીસે કલાકોની જહેમત બાદ કેબિનના પતરા કાપીને બંનેને સુરક્ષિત બહાર કાઢી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે મોકલ્યા હતા.

અકસ્માતનો 6ઠ્ઠો બનાવ જામનગરમાં સર્જાયો હતો. શહેરના રણજીતસાગર રોડ પર વહેલી સવારે હિટ એન્ડ રનની એક ઘટના પ્રકાશમાં આવી છે. વોકિંગ કરવા નીકળેલા એક નિર્દોષ યુવકને બેફિકરાઈથી આવતા કાર ચાલકે હડફેટે લીધો હતો અને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક 108 મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

Exit mobile version