Site icon Revoi.in

રાજસ્થાનમાં ભારતમાલા હાઈવે પર સ્કોર્પિયો કાર પલટી જતા ધાનેરાના 3ના મોત

Social Share

પાલનપુર, 18 મે 2026: 3 killed as Scorpio car overturns બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓ રાજસ્થાનના રણુજાના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને યાત્રાળુઓ સ્કોર્પિયો કારમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે બાલોતરા જિલ્લાના આસોતરા પાસે ભારતમાલા હાઈવે પર સ્કોર્પિયો કાર સામે અચાનક નીલગાય આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેને પગલે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જોધપુર રીફર કરવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના શ્રદ્ધાળુઓ રાજસ્થાન સ્થિત રણુજા ખાતે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન પતાવીને તમામ લોકો AP31 CW 2709 નંબરની સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે ભારતમાલા હાઈવે પર એકાએક એક નીલગાય સ્કોર્પિયોની સામે આવી ગઈ હતી. નીલગાયને બચાવવા જતાં ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સ્કોર્પિયો પલટી મારી ગઈ હતી. અને કારમાં સવાર થાવર ગામના 3 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. મૃતકોમાં અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉ.વ.35), હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉ.વ.32) અને યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉ.વ.18)નો સમાવેશ થાય છે જ્યારે અન્ય 3 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ થાવર ગામ સહિત મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.

Exit mobile version