અમદાવાદ, 30 એપ્રિલ 2026: 3 killed as car overturns and hits electric pole રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ધોળકા-બગોદરા હાઈવે પર સર્જાયો છે. બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં જઈ રહેલી એક સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ધોળકા-બગોદરા હાઈવે પર કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિયો કાર હાઈવે પરથી ઉતરીને પલટી મારી ગઈ હતી અને સીધી વીજ પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણના લોકોના નિપજ્યા છે, જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે સ્કોર્પિયો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતની જાણ થતા જ ધોળકા અને બગોદરાની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી હજુ પણ મૃતાંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કારમાં સવાર તમામ લોકો બારેજા ગામથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ખુશીના પ્રસંગમાં જઈ રહેલા પરિવારને રસ્તામાં જ કાળ ભેટી જતાં સમગ્ર પંથકમાં અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

