Site icon Revoi.in

સુરતમાં ગેસ ગુંગળામણથી 3 સિનિયર સિટિઝન્સ અને ગોંડલમાં વીજ કરંટથી બે કર્મીના મોત

Social Share

અમદાવાદઃ સુરત અને રાજકોટના ગોંડલમાં અપમૃત્યુના બનાવમાં 5ના મોત નિપજ્યા હતા. પ્રથમ બનાવમાં સુરતના પાલ વિસ્તારમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં રહેતા 3 સિનિયર સિટિઝનો રાતે જનરેટર ચાલુ રાખીને ઓરડી બંધ કરીને સૂઈ ગયા હતા.જનરેટરના ઝેરી ગેસને લીધે ગુંગળામણથી ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે બીજા બનાવમાં રાજકોટના ગોંડલમાં વીજકરંટથી બેનાં મોત નિપજ્યા છે. PGVCLના રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજપ્રવાહ ચાલુ થઈ જતાં બે કર્મચારીના મોત નિપજ્યા હતા.

પ્રથમ બનાવની વિગતો એવી છે. કે,  સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં ત્રણના મોત થયા હતા. રાત્રે જનરેટર ચાલુ કરીને બારી બારણાં બંધ કરી સુઈ ગયા હતા. રાત્રિ દરમિયાન થયેલા ગેસ ગૂંગળામણને કારણે ત્રણેય વ્યક્તિ સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા  આ ઘટનામાં એક વૃદ્ધ અને બે મહિલાઓના મોત નિપજ્યા છે. બે મહિલાઓ રાત્રી દરમિયાન સંબંધીને ત્યાં આવી હતી. જોકે, એફ.એસ.એલ અને પીએમ રિપોર્ટમાં  મૃત્યુનું સચોટ કારણ જાણવા મળશે.

બીજા બનાવની વિગતો એવી છે કે, રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવેલી સબ જેલ સામે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના રિપેરિંગ કામ દરમિયાન કરંટ લાગવાથી બે કોન્ટ્રેક્ટ કર્મચારીનાં મોત થયાં છે. મૃતક કર્મચારીના નામ ભગવાનસિંહ રામલાલ ભીલ (ઉં.22, રહે. ગામ રિચવા, તા.અકલેરા, જિ.જાલાવર, રાજસ્થાન) અને સૂરજકુમાર બનીસિંહ ભીલ (ઉં. 20, રહે. ગામ આમટા, તા.અકલેરા, જિ.જાલાવર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું છે. PGVCL દ્વારા છેલ્લા ચાર દિવસથી શ્રીહરિ ફીડરમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. આ કામમાં 25 જેટલા કર્મચારીઓ જોતરાયેલા હતા, ત્યારે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઇ જતાં ભગવાનસિંગ રામલાલ ભીલ (ઉ.વ.22) અને સુરજકુમાર બનેસિંગ ભીલ (ઉ.વ.20)ને કરંટ લાગવાથી મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં  108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બે યુવાનો જીવ ગુમાવી ચૂક્યા હતા. હાલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. તો બીજી તરફ વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઇને ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.