Site icon Revoi.in

સુરતના અડાજણમાં પૂરફાટ ઝડપે સ્પોર્ટ્સ બાઈક કારમાં ઘૂંસી જતાં 3 યુવાનો ઘવાયા

Social Share

સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અડાજણ વિસ્તારમાં ત્રિપલ સવારી બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના અડાજણ વિસ્તારમાં સ્પોર્ટ બાઈક પર ફૂલ સ્પીડમાં જઈ રહેલા ત્રણ યુવકો રોડ ક્રોસ કરતી કારમાં ઘૂસી ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં બાઈકચાલક ત્રણેય યુવકને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેઝ વાયરલ થયા હતા. જેમાં જોઈ શકાય છે કે,  બાઈક કાર સાથે અથડાતા ચાલક હવામાં ફૂટબોલની જેમ 30 ફૂટ જેટલો ઊછળી દુર પટકાય હતો.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ભૂલકા વિહાર શાળા પાસે વહેલી સવારે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્પોર્ટ બાઇકના ચાલકે ફૂલ સ્પીડમાં બાઈક હંકારી રોડ ક્રોસ કરતી કાર સાથે ધડાકાભેર અથડાવી હતી. આ અકસ્માતમાં બાઈકનો બુકડો બોલી જવા ગયો હતો. સ્પોર્ટ્સ બાઈક પર ત્રણ યુવકો સવાર હતા, જેઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાના સીસીટીવીના કૂટેજ વાયરલ થયા હતા જેમાં જોઈ શકાય છે કે, એક કાર રસ્તો ક્રોસ કરી રહી હતી, તે દરમિયાન જ ફુલ સ્પીડમાં આંખના પલકારામાં જ બાઈક કાર સાથે ધડાકાભેર અથડાય છે. બાઈકમાં પાછળ બેસેલો એક યુવક 30 ફૂટ જેટલો ઊંચો ઊછળી ને 20થી 25 ફૂટ દૂર પડે છે. જ્યારે બે યુવકો બાઇક સાથે ત્યાં રસ્તા પર પટકાય છે. ફુલ સ્પીડમાં બાઈક કારમાં અથડાવવાના કારણે કાર પણ ઊંચી થઈ જાય છે. ત્યારબાદ આસપાસથી લોકો દોડી આવે છે અને યુવકોને હોસ્પિટલ ખસેડે છે. હાલ તો અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.