અમદાવાદઃ ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોવાનું લાગી રહ્યું છે. જો કે, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ દરિયો અને દરિયાકાંઠાનો દેશ વિરોધી પ્રવૃતિ માટે ઉપયોગ ના થાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનો દાવા કરવામાં આવ્યાં છે. દરમિયાન પાંચ વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ આઠ મોટા કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકામાંથી કરોડોનું ડ્રગ્સ પડકાયા બાદ ગુજરાતના દરિયો અને દરિયાકાંઠાની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયાં છે. અગાઉ કચ્છના ક્રિક વિસ્તારમાં પણ અનેકવાર બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠા ઉપર આવેલા 42 બંદરોમાંથી 17 નોન મેજર પોર્ટ છે કે જે કાર્ગો હેન્ડલ કરે છે. આવા બંદરો ઉપર અરેબિયન દેશોમાંથી બીજા કોઈ સામાન સાથે હેરોઈન કે અન્ય ડ્રગ્સ ગુજરાતના બંદર ઉપર કન્ટેનરમાં ઉતારાય છે. ગુજરાતથી ટ્રાન્સપોર્ટમાં આ કન્ટેનર મારફતે અન્ય રાજ્યોમાં જતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુરક્ષા એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે કન્ટેનરમાં ટેલકમ પાઉડર સહિતની વસ્તુઓ દર્શાવવામાં આવે છે. ડ્રગ્સ માફિયાઓએ દેશના યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતના દરિયાનો તથા દરિયાકાંઠાનો ઉપયોગ કરતા હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયા તથા દરિયાકાંઠાનો ખોટી રીતે ઉપયોગ ના થાય તે માટે સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવતુ હોવાના દાવા કરવામાં આવે છે.
(Photo-File)