
અમદાવાદઃ ભારતીય જળ સીમાની અંદર માછીમારી કરતા માછીમારોને ગુજરાતના દરિયામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા બોટ સાથે અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. પાકિસ્તાનની વિવિધ જેલમાં હાલ 345 જેટલા માછીમારો બંધ છે. એટલું જ નહીં બે વર્ષના સમયગાળામાં પાકિસ્તાની એજન્સી 248 જેટલા ભારતીય માછીમારને ઉઠાવી ગઈ છે. પાકિસ્તાને માર્ચ મહિનામાં કુલ 13 જેટલી બોટ સાથે અંદાજે 50 માછીમારોના અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે.
ગુજરાત વિધાનસભામાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાબર ચાવડાએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર, 2020 સુધી ગુજરાતના 345 માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે. જેમાંથી છેલ્લા બે વર્ષમાં 248 માછીમારો ઝડપાયા છે. વર્ષ 2019 માં 85 અને વર્ષ 2020 માં 163 માછીમારો પકડાયા હતા. સરકાર આ માછીમારોને મુક્ત કરવા માટે પ્રયાસો કરી રહી છે અને જરૂરી પુરાવા ગૃહ મંત્રાલય સમક્ષ રજૂ કર્યા છે.
તેમણે વધુમાં જમાવ્યું હતું કે, સરકારે પોરબંદરના માછીમારોને તેમની બોટમાં જી.પી.એસ. સ્થાપિત કરવા માટે રૂ. 37.70 લાખની આર્થિક સહાય આપી છે. પાકિસ્તાની દરિયાઇ સુરક્ષા એજન્સી જ્યારે અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા પાર કરે છે ત્યારે ગુજરાતના માછીમારોને ઘણીવાર પકડે છે. પાકિસ્તાન અને ભારત અવારનવાર એકબીજાના માછીમારોની ધરપકડ કરે છે કારણ કે અરબી સમુદ્રમાં દરિયાઇ સરહદની સ્પષ્ટ સીમાંકન નથી.
માર્ચ મહિનામાં પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારી કરતા 50થી વધારે માછીમારોનું 13 જેટલી બોટ સાથે અપહરણ કર્યું હતું. જેથી માછીમાર સમાજમાં રોષ ફેલાયો છે. તેમજ માછીમારો અને તેમની બોટોને મુક્ત કરાવવાની માંગણી કરી છે.