Site icon Revoi.in

અમદાવાદની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગુજરાતી માધ્યમના ધો,9થી 12ના 35 વર્ગો બંધ કરાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં આજકાલ વાલીઓમાં પોતાના બાળકોને ગુજરાતીને બદલે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ વધતા જાય છે. જેના કારણે ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુજરાતી વર્ગો બંધ કરવાની ફરજ પડી રહી છે. બીજીબાજુ અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરવા માટે માગ વધી રહી છે. શહેરમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં વર્ગો બંધ કરવા-ઘટાડો કરવા માટે અમદાવાદ શહેર ડીઈઓ હેઠળની ધો.9થી12ની 29 ગ્રાન્ટેડ સ્કૂલોએ દરખાસ્ત મોકલી હતી.જેમાં બે તબક્કામાં ડીઈઓ દ્વારા રૂબરૂ સુનાવણી બાદ વિદ્યાર્થી સંખ્યા નિયમ મુજબ ન હોવા સહિતના કારણોસર આ સ્કૂલોના 35 વર્ગો બંધ કરવા માટેની કાર્યવાહી કરવાની મંજૂરી અપાઈ છે.

ગુજરાત શિક્ષણ બોર્ડના નિયમો મુજબ વિદ્યાર્થી સરાસરી સંખ્યા ન જળવાતી હોય કે વિદ્યાર્થીઓ ન મળતા હોવાથી ધો.9થી12ની ગ્રાન્ટેડ સ્કૂલો વર્ગ ઘટાડા માટે અરજીઓ કરતી હોય છે.સ્કૂલો પાસેથી 31 ઓગસ્ટ સુધીમાં દરખાસ્ત મંગાવાય છે ત્યારબાદ ડીઈઓ દ્વારા રૂબરૂ સુનાવણી હાથ ધરાય છે. અગાઉ 16 સ્કૂલો બાદ વધુ 13 સ્કૂલો મળી કુલ 29 સ્કૂલોએ વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરી હતી. દરખાસ્ત બાદ ડીઈઓની સુનાવણીને કુલ 35 વર્ગો ઘટાડાવા કે બંધ કરવા માટે આદેશો કરાયા છે અને સ્કૂલોને મંજૂરી અપાઈ છે.

સૂત્રોના કહેવા મુજબ  ધો.9થી12ની આ ગ્રાન્ટેડ માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોમાં ધો.9ના 13, ધો.10ના 7, ધો.11ના 10 અને ધો.12ના પાંચ સહિત કુલ મળીને 35 વર્ગો બંધ કરવામા આવ્યા છે. આ સ્કૂલોમાં મોટા ભાગની ગુજરાતી માઘ્યમની સ્કૂલો છે અને કેટલીક હિન્દી માઘ્યમની સ્કૂલો છે. દર વર્ષે અંગ્રેજી માઘ્યમમાં નવી નવી સ્કૂલો શરૂ થતા અંગ્રેજી માઘ્યમમાં વિદ્યાર્થીઓ વધી રહ્યા છે જેથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગુજરાતી માઘ્યમના વર્ગો બંધ થઈ રહ્યા છે.