Site icon Revoi.in

ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષમાં 3676 રખડતા ઢોર પકડાયા, 8.88 લાખનો દંડ વસુલાયો

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર પકડવાની સમયાંતરે ઝૂબેશ હાથ ધરવામાં આવે છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નવી ઢોર નિયંત્રણ પોલીસી અમલી બનાવવામાં આવી છે, ત્યારે છેલ્લા એક વર્ષમાં શહેર વિસ્તારમાંથી રખડતા 3676 જેટલા પશુઓને પકડીને ડબ્બે પુરવામાં આવ્યા હતો. આ ઢોરને છૂટા મૂકનાર તેના માલિકો પાસેથી 8.88 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. હાલ વરસાદી સીઝનને લીધે રખડતા ઢોર રોડ પર અડીંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિ.દ્વારા ફરી ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરાશે.

ગાંધીનગર શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની સક્રિયાથી મહદઅંશે રખડતા ઢોરની સમસ્યા દૂર થઈ ગઈ છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદની પેટર્ન પર ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ નવી ઢોર નિયંત્રણ પોલીસી અમલી બનાવવામાં આવી છે અને શહેરમાં પશુઓ રાખનારા તમામનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બીજી તરફ શહેરમાં રખડતા ઢોર પકડવા માટે ઢોર પાર્ટીને સક્રિય બનાવવામાં આવી છે. શહેરમાંથી તમામ ઢોરવાડાના દબાણો પણ હટાવી દેવાયા છે. ઢોરને રસ્તા પર અને જાહેર સ્થળોએ છૂટા મૂકી દેનારા પશુપાલકો સામે દંડનીય પગલાં લેવામાં આવી રહ્યા છે. એક વર્ષમાં મ્યુનિ. દ્વારા વિવિધ વિસ્તારમાં રખડતા 3676 ઢોર પડીને સેક્ટર-30ના ઢોર ડબ્બામાં પુરી દેવામાં આવ્યા છે. આ ઢોર છોડાવવા આવેલા પશુપાલકો પાસેથી 8.88 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે.

જીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરમાં નવી પોલિસી હેઠળ શહેરમાં ઢોર રાખવા માટે લાયસન્સ અને રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે ત્યારે અત્યારસુધીમાં ગાય, ભેંસ સહિતના પાલતુ પશુ રાખવા માટે માલિકો દ્વારા 2375 પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન ફી પેટે મ્યુનિને 12.29 લાખની આવક થઇ છે. મ્યુનિ. દ્વારા આગામી સમયમાં વધુ અસરકારક ઝુંબેશ હાથ ધરાશે.