Site icon Revoi.in

ગુજરાતમાં આરટીઈની 39996 બેઠકો હજુ ખાલી, વધુ રાઉન્ડ યોજવા NSUIની રજુઆત

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ગરીબ બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. ગરીબ બાળકોની ફી ખાનગી શાળાઓને સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. રાજ્યમાં આ વખતે પ્રવેશના ત્રણ રાઉન્ડ યોજ્યા બાદ 39996 બેઠકો ખાલી રહી છે. ત્યારે પ્રવેશનો ચોથો રાઉન્ડ યોજવા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ માગણી કરી છે. આરટીઈ હેઠળ શાળાઓમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે ખાલી બેઠકો પર પ્રવેશ આપવા માટેની માગણી એનએસયુઆઈએ અમદાવાદ શહેર ડીઈઓને કરી છે.

એનએસયુઆઈ પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી અને કોંગ્રેસના નેતા શાહનવાઝ શેખે શહેર જિલ્લા શિક્ષણાધિકારીને  કરેલી લેખિત રજૂઆતમાં રાજ્યભરમાં ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ માટેનો ચોથો રાઉન્ડ જાહેર કરવાની માગણી કરી છે. અને હવે આ અંગે શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરાશે. શહેર ડીઈઓને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે આરટીઆઈ હેઠળ માંગેલી માહિતી અનુસાર આ વખતે વર્ષ 2025માં કુલ 39996 બેઠકો ખાલી રહી છે. આ ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ આપવા માટે ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવે તેવી માંગણી છે.

એનએસયુઆઈના કહેવા મુજબ સરકાર પાસે આરટીઆઈ હેઠળ માહિતી માગવામાં આવી હતી, તેના જવાબ અનુસાર આરટીઈમાં વર્ષ 2021માં 75213 બેઠક ખાલી રહી છે.જ્યારે 2022ની સાલમાં 62290 બેઠકો ખાલી રહી છે. જ્યારે 2023ની સાલમાં 64395 બેઠકો ખાલી રહી છે.જ્યારે 2024માં 52221 બેઠકો ખાલી રગી હોવાની માહિતી શિક્ષણ વિભાગે આરટીઈની માહિતી અંતર્ગત આપી છે.જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળી રહે તે માટે પ્રવેશ માટેનો સ્પેશિયલ રાઉન્ડ જાહેર કરવામાં આવે તેવી માંગણી છે.