ગાંધીનગર, 29 મે, 2026: Power supply disrupted due to short circuit in new secretariat પાટનગર ગાંધીનગરમાં નવા સચિવાલયના બ્લોક-13ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક પ્લગ પોઇન્ટમાં અચાનક સ્પાર્કિંગથી ધડાકો થતાં માર્ગ અને મકાન વિભાગના બે વાયરમેન સહિત અન્ય કર્મચારીઓ મળીને કુલ ચાર લોકો દાઝ્યા હતા. ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે બ્લોક નંબર 8થી 14 સુધીના વિસ્તારોમાં અંધારું છવાઈ ગયું હતું.
આ બનાવની વિગત એવી છે કે, પાટનગર ગાંધીનગરમાં નવા સચિવાલયના બ્લોક નંબર 13 પાસે આવેલા પાવર સપ્લાયના ટ્રાન્સમિશન વાયરીંગમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે જોરદાર વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના બે વાયરમેન સહિત અન્ય કર્મચારીઓ મળીને કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા, ઘટના પગલે સચિવાલયમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ વિસ્ફોટની સીધી અસર સચિવાલયના વીજ પુરવઠા પર પડી હતી. સ્વર્ણિમ સંકુલ-2 સહિત સચિવાલયના બ્લોક નંબર 8થી 14માં અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે અને કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે મોટાભાગના બ્લોકમાં લિફ્ટ સેવાઓ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. જો કે, વહીવટી તંત્રની ત્વરિત કામગીરીને કારણે સ્વર્ણિમ સંકુલ-2માં થોડા સમય બાદ વીજ પુરવઠો ફરી પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો હતો.
આ ઘટના પાછળ એક મોટું કારણ પાવરલોડનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સચિવાલયને સેન્ટ્રલ AC કરવા માટે સરકારે એક વર્ષ પહેલાં જ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધી હતી. આમ છતાં, સચિવાલયની અનેક ચેમ્બરો અને બ્રાંચોમાં સરકારની સત્તાવાર મંજૂરી વગર સંખ્યાબંધ AC ફિટ કરી દેવામાં આવ્યા છે. આ આડેધડ ફિટ કરાયેલા ACના કારણે વીજ લાઇન પર પાવરલોડ ક્ષમતા કરતાં ઘણો વધી ગયો હતો, જેના પરિણામે ટ્રાન્સમિશનમાં આ ભડાકો થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.હાલમાં માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વીજ કંપનીની ટીમ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવીને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

