Site icon Revoi.in

રાજકોટ-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4નાં મોત

Social Share

રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં રાજકોટ-ભાવનગર હાઈવે પર સરધાર નજીક હોન્ડાસિટી કાર અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અલ્ટોકારમાં પ્રવાસ કરી રહેલા 4ના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં બન્ને કારમાં આગ લાગી હતી.

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે,  રાજકોટ ભાવનગર હાઇવે ઉપરનાં સરધાર નજીક ભુપગઢ પાસે અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ આગ ફાટી નીકળી હતી. અલ્ટો કારમાં સવાર એક જ પરિવારના 8 લોકો પૈકી માતા – પુત્રી સહિત 4 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.. અલ્ટોમાં બેસીને પરિવાર સરધાર પાસે આવેલા ભંડારિયા ગામનાં લગ્નમાંથી પરત ગોંડલ આવતા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.

આ અકસ્માત અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ભાવનગર હાઇવે ઉપરનાં સરધાર-ભાડલા રોડ પર હોન્ડા સિટી અને અલ્ટો કાર સામસામે ધડાકાભેર અથડાતા બંને કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ પૈકીની અલ્ટો કારમાં સવાર 35 વર્ષીય નીરૂબેન મકવાણા, તેમની 3 વર્ષીય દીકરી હેતવી મકવાણા તેમજ 22 વર્ષીય હેમાંશી સરવૈયા અને 12 વર્ષીય મિતુલ સાકરીયાનું મોત નિપજ્યુ હતુ. જ્યારે 22 વર્ષીય સાહિલ સરવૈયા, 15 વર્ષીય હિરેન અશોકભાઈ મકવાણા, 40 વર્ષીય નિતુબેન અશોકભાઈ સાકરીયાને ગંભીર ઇજા થતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર ઘટનામાં એકતા સાકરીયા નામની વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે.

અકસ્માતનો ભોગ બનેલા મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે,  અલ્ટો કારમાં સવાર તમામ 8 લોકો સરધાર પાસે આવેલા ભંડારિયા ગામે લગ્નમાં ગયા હતા. ત્યાંથી પરત ગોંડલ આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકો પૈકીના હેમાંશીબેનના ગત ફેબ્રુઆરી મહિનામાં લગ્ન થયા હતા.