Site icon Revoi.in

સાણંદમાં રિક્ષામાં બેસાડીને પ્રવાસીઓને લૂંટતી ગેન્ગના 4 શખસો પકડાયા

Social Share

અમદાવાદ, 3 એપ્રિલ 2026: Gang robbing tourists   સાણંદ અને આસપાસના વિસ્તારોમાં રાહદારીઓ, ખાસ કરીને સિનિયર સિટીઝનોને રિક્ષામાં બેસાડીને લૂંટતી ગેન્ગના 4 શખસોને પોલીસે ઝડપી લીધા છે. ગત 31મી માર્ચ 2026ના રોજ બનેલી લૂંટની ઘટનાની તપાસમાં સાણંદ પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિક્ષામાં સિનિયર સિટિઝનો કે મહિલાઓને પ્રવાસી તરીકે બેસાડીને લૂંટારૂ ગેન્ગ દ્વારા ચાલાકીપૂર્વક લૂંટ કરવામાં આવતી હતી. આરોપીઓ પોતાની સીએનજી (CNG) રિક્ષામાં અગાઉથી જ પેસેન્જર તરીકે બેસી જતા, જેથી રસ્તા પર ઉભેલા વૃદ્ધોને શંકા ન જાય. 31મી માર્ચના રોજ બાવળા રોડ પરથી પસાર થતા એક વૃદ્ધને રિક્ષામાં બેસાડ્યા બાદ આરોપીઓએ અસલી સ્વરૂપ ધારણ કર્યું હતું. રિક્ષા થોડે દૂર પહોંચતા જ એક આરોપીએ વૃદ્ધને છરી બતાવી ડરાવ્યા હતા, જ્યારે અન્ય બે શખસોએ વૃદ્ધને માર મારી ઈજા પહોંચાડી હતી. આરોપીઓ વૃદ્ધના શર્ટમાં લાગેલા એક તોલા વજનના સોનાના 4 બટન લૂંટીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

વૃદ્ધની ફરિયાદ બાદ સાણંદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગનો મુખ્ય આરોપી 44 વર્ષીય પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી તેની સામે ચોરી, લૂંટ, જુગાર અને દારૂના કુલ 18 જેટલા ગુના નોંધાયેલા છે. 44 વર્ષીય દિલીપ જખવાડિયા સામે પણ ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલા છે. અન્ય આરોપીઓમાં 50 વર્ષીય વિજય પટણી અને મહિલા આરોપી પૂનમ જંદાવડા સામેલ છે. જેમાં મહિલા આરોપી પૂનમ સામે પણ અગાઉ ગાંધીનગર સેક્ટર-21 અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટના 2 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સાણંદ પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા સોનાના બટન, રિક્ષા, 5 મોબાઈલ ફોન અને છરી સહિત કુલ 3,11,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની કડક પૂછપરછમાં આ ગેંગે બાવળામાં પણ આ જ પ્રકારે એક વ્યક્તિ પાસેથી 12000 રૂપિયા લૂંટી લીધાની કબૂલાત કરી છે.

Exit mobile version