Site icon Revoi.in

અમદાવાદના નિકોલમાં 400 કિલો ગાયનું નકલી ઘી પકડાયું

Social Share

અમદાવાદ, 23 એપ્રિલ 2026: 400 kg of fake cow ghee seized  શહેરના નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે દરોડા પાડીને લાયસન્સ વગર ગાયનું ડુપ્લીકેટ ઘી બનાવવાનું રેકેટ પકડી પાડ્યું છે. વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી બનાવવામાં આવતું આશરે 400 કિલો ભેળસેળિયું ઘી જપ્ત કરી FSSAI અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રામગોપાલ રાણારામજી કુંપાવત નામનો શખસ નિકોલમાં પોતાના મકાનના ગાયનું નકલી ઘી બનાવીને વેપાર કરતો હતો. વેજીટેબલ ફેટ અને પામોલીન તેલ મિક્ષ કરીને ડુપ્લીકેટ ગાયનું ઘી બનાવતો હતો.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગને શહેરના નિકોલ વિસ્તારની ચિત્રકૂટ આવાસ યોજના પાસે આવેલા રોયલ બંગ્લોઝના એક મકાનમાં ગેરકાયદે નકલી ઘીનું ઉત્પાદન થતું હોવાની વિગત મળી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે, કોઈપણ રજીસ્ટ્રેશન કે FSSAI લાયસન્સ વગર જ અહીં ભેળસેળિયું ઘી બનાવીને તેને ‘મંગલમૂર્તિ ગાયનું ઘી’ બ્રાન્ડના નામે પેકિંગ કરવામાં આવતું હતું.

એએમસીના હેલ્થ વિભાગની તપાસમાં એવી હકિકત જાણવા મળી છે કે, આ એકમ દ્વારા કઠવાડા વેદ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-2 સ્થિત ‘મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ’ને મેન્યુફેક્ચરર તરીકે દર્શાવવામાં આવતા હતા. પેકિંગ પર જે લાયસન્સ નંબરનો ઉલ્લેખ હતો તેની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી હતી. ફૂડ વિભાગે સ્થળ પરથી અંદાજિત કિંમત ₹1.60 લાખ કિંમતનો 400 કિલો ગ્રામ (500 ગ્રામ અને 100 મી.લી.ના જાર) ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ફૂડ વિભાગની ટીમે ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. 400 કિલો ઘીનો જથ્થો અને 500 કિલો ખાલી જાર, લેબલો, પેકિંગ સાધનો, ગેસ સિલિન્ડર અને મોટા તપેલા સહિતના સાધનો સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ એકમ કે વ્યક્તિ સામે FSSAI અને GPMC એક્ટ હેઠળ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે કે આ નકલી ઘી ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવ્યું હતું.

Exit mobile version