
દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓની સારસંભાળ માટે કોરોના વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં મુકે છે. આ દરમિયાન હજારો કોરોના યુદ્ધાઓએ જીવ ગુમાવ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી 420 તબીબોના મોત થયાનું IMAએ જણાવ્યું હતું.
- દિલ્હીમાં સૌથી વધારે 100 તબીબોના મોત
IMAએ જાહેર કરેલા આંકડા અનુસાર કોરોનાની બીજી લહેરમાં દિલ્હીમાં સૌથી વધારે 100 તબીબોના મોત થયાં છે. જ્યારે બિહારમાં 96 તબીબોના અવસાન થયાં છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 41, ગુજરાતમાં 31, આંધ્રપ્રદેશમાં 26, મહારાષ્ટ્રમાં 15, મધ્યપ્રદેશમાં 13, આસામમાં ત્રણ, ગોવા અને હરિયાણામાં બે-બે ડોકટરોનાં મોત થયાં છે. તેમજ પંજાબ અને પુડ્ડુચેરીમાં પ્રત્યેક એક-એક ડોકટરના મૃત્યુ થયાં છે.
- કોરોનાની પ્રથમ લહેરમાં 748 તબીબના મોત
IMAના જણાવ્યા અનુસાર કોવિડ -19 રોગચાળાના પ્રથમ તરંગ દરમિયાન દેશભરમાં 748 ડોકટરો ચેપથી મૃત્યુ પામ્યા હતા. IMAના પ્રમુખ ડો.જે.એ. જયલાલે જણાવ્યું હતું કે, ભારતીય મેડિકલ એસોસિએશન દેશભરમાં ફેલાયેલી શાખાઓથી મળેલી માહિતીના આધારે આ યાદી તૈયાર કરી રહ્યું છે.
- રસીની બંને ડોઝ નહીં લેવાતા તબીબોના થયા મોત
રસીના બંને ડોઝ લીધેલા ડોકટરોના મૃત્યુના બહુ ઓછા કેસો નોંધાયા છે. હમણાં સુધી, મોટાભાગના મૃત્યુ પામેલા ડોકટરોએ પ્રથમ ડોઝ પણ લીધો ન હતો. IMA પણ નથી બતાવી શકતું કે, કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ પામારા તબીબો પૈકી કેટલા ડોકટરોને રસી આપવામાં આવી હતી. IMAના વડાએ કહ્યું કે, અમારી પાસે બધાને રસીકરણની સ્થિતિ અંગે સચોટ ડેટા નથી. પરંતુ કોરોના રસીના બંને ડોઝની ગેરહાજરી એ ડોકટરોના મોતનું સૌથી મોટું કારણ હોઈ શકે છે.