Site icon Revoi.in

રાજ્યની મેડિકલ કૉલેજમાં MDની 446 અને MSની 211 સીટો વધી: આરોગ્ય મંત્રી

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યની મેડિકલ કૉલેજમાં M.D.(ડૉક્ટર ઓફ મેડિસીન) અને M.S.(માસ્ટર ઓફ સર્જરી) ની કુલ સીટો અને છેલ્લા બે વર્ષમાં થયેલા વધારા સંદર્ભેના પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘હાલ રાજ્યની મેડિકલ કૉલેજોમાં M.D.ની 2044 અને M.S.ની 932 સીટો ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં M.D.ની 446 અને M.S.ની 211 સીટો વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક જીલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરવાનો સંકલ્પ કર્યો છે, જેને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર પૂર્ણ કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત થવાનું સ્વપ્ન પૂર્ણતાના આરે હોવાનું ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતું.’

મેડિકલ કૉલેજમાં પી.જી. અનુસ્નાતક બેઠકોની વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં નેશનલ મેડિકલ કમિશન ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) ડિગ્રી (MD-3 વર્ષ) ની 2044, PG ડીગ્રી (MS-3 વર્ષ)ની 932, PG સુપર સ્પેશ્યાલીટી (DM/M.Ch. 3 વર્ષ) ની 124 અને પી.જી ડીપ્લોમાં (2 વર્ષ)ની 39 મળીને કુલ -3139 સીટો ઉપલબ્ધ છે. ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ (DNB) સ્પેશ્યાલિટી (3 વર્ષ)ની 148, DNB સુપર સ્પેશ્યાલિટી (3 વર્ષ)ની 76 અને DNB ડિપ્લોમા (2 વર્ષ)ની 58 બેઠકો મળીને કુલ 282 તેમજ કૉલેજ ઓફ ફિઝીશીયન એન્ડ સર્જન ઇન મુંબઇ (CPS) ડિપ્લોમા (2 વર્ષ)ની કુલ-298 બેઠકો ઉપલબ્ધ છે. આમ કુલ મળીને રાજ્યમાં કુલ 3719 જેટલી અનુસ્નાતક અભ્યાસ માટેની બેઠકો ઉપલબ્ધ છે.’

આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘રાજ્યમાં અંદાજીત કુલ 450 જેટલી UG બેઠકો અને 1011 જેટલી PG બેઠકો માટે વિવિધ સંસ્થાઓએ NMCમાં અપ્લાય કર્યું છે, જેના માટે રાજ્ય સરકારે એસેન્સીયાલીટી સર્ટીફીકેટ આપ્યું છે. એટલે ગુજરાત રાજ્યના મેડિકલ ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે બેઠકોનો વધારો આવનારા નજીકના સમયમાં જોવા મળશે.’

રાજયમાં હાલ કુલ 41 મેડીકલ કૉલેજો ઉપલબ્ધ છે. જેમાં 6 સરકારી, 13 ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત, 3 કોર્પોરેશન સંચાલિત, 1 એઇમ્સ અને 18 સ્વ-નિર્ભર કૉલેજો આવેલી છે.

Exit mobile version