
રાજ્યના 206 જળાશયમાં 47.51 ટકા પાણીનો સંગ્રહ, 26 ડેમ છલકાયાં
- સૌરાષ્ટ્રના 141 પૈકી 18 ડેમ ભરાયાં
- કચ્છના 20 પૈકી 7 જળાશયો છલકાયાં
- 37 ડેમ 90 ટકા જેટલા ભરાયાં
અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલા વરસાદને પગલે જળાશયો અને નદીઓમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે, રાજ્યના 206 ડેમ પૈકી 26 ડેમ છલકાયાં છે. રાજ્યના જળાશયોમાં હાલ 47.51 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે.
રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને પગલે મુંજીયાસર, ઘાતરવાડી, ફોફળ-૧, ઉબેણ, લાલપરી, સપાડા, કાલાઘોડા, મોજ, સૂરજવાડી ડેમ છલકાયાં છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 58 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરકાર સરોવર ડેમમાં હાલની સ્થિતિએ 5494.11 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. ગયા વર્ષની સરખામણીએ હાલમાં 52.54 એમસીએફટી પાણી વધું છે. સૌરાષ્ટ્રના 141 જળાશયો પૈકી 18 ડેમ ભરાયાં છે. જેમાં કુલ ક્ષમતાનું 58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. કચ્છના 20 પૈકી સાત ડેમ છલકાયાં છે. જેથી ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ ઘટી છે.
રાજ્યના 37 જેટલા જળાશયોમાં 90 ટકા ભરાયાં હોવાથી હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત 13 ડેમમાં 80થી 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે. 15 ડેમમાં 70થી 80 ટકા જેટલા ભરાયાંનું જાણવા મળે છે. રાજ્યના 141 જેટલા ડેમમાં 70 ટકાથી ઓછુ પાણી ભરાયું છે. રાજ્યમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો છે અને હજુ પુરુ ચોમાસુ બાકી છે. જેથી આગામી દિવસોમાં જળાશયોમાં નવા પાણીની આવક થશે.