Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 5 દિવસનું મીની વેકેશન

Social Share

ભાવનગરઃ જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાઓમાં તા. 28મી સપ્ટેમ્બરને રવિવારથી 5 દિવસની સળંગ રજા જાહેર કરાતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને મીની વેકેશનનો લાભ મળશે.દશેરાના પર્વ પૂર્વે તા.28 સપ્ટેમ્બરથી તા.2 ઓક્ટોબર એટલે કે રવિવારથી ગુરૂવાર સુધી પાંચ દિવસ સુધી મીની વેકેશનનો લાભ મળશે.

ભાવનગર જિલ્લામાં શિક્ષક સંધ દ્વારા પણ સોમવારની રજા જાહેર કરવામાં આવે તો 5 દિવસની સળંગ રજાનો લાભ મળે તેવી રજુઆતો કરવામાં આવી હતી. આથી તા.29 સપ્ટેમ્બરને સોમવારે નોરતાની સાતમની રજા મોટા ભાગના તાલુકાઓમાં મંજૂર થઇ જતા હવે બાળકો અને શિક્ષકોને પાંચ દિવસની સતત રજા માણવા મળશે. હાલ નોરતા ચાલી રહ્યાં છે અને દશેરાનું પર્વ આવી રહ્યું છે ત્યારે દર વર્ષે જિલ્લા પંચાયત હસ્તકની 930થી વધુ પ્રાથમિક શાળાઓમાં આઠમ (હવન અષ્ટમી)થી લઇને વિજયા દશમી (દશેરા) સુધી તો રજા હોય જ છે. આ પરંપરા તો વર્ષોની ચાલી આવે છે આ ત્રણ દિવસની રજા હોય છે. તાલુકાના શિક્ષકોના સંઘ દ્વારા જે તે તાલુકા શિક્ષણાધિકારી અથવા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી કે આ વર્ષે તા.29 સપ્ટેમ્બરને સોમવારે જો એક દિવસની વધારાની રજા જાહેર કરવામાં આવે તો એક સાથે પાંચ દિવસની રજાનો મેળ આવી શકે તેમ છે.

શિક્ષણ વિભાગના નિયમ મુજબ  જે તે તાલુકામાં વર્ષે 2 રજા સ્થાનિક કક્ષાએ જાહેર કરવાની સત્તા હોય છે. તેથી જિલ્લામાં સિહોર, પાલિતાણા, ઘોઘા, ઉમરાળા જેવા તાલુકાઓમાં રજૂઆત બાદ સોમવારની રજા જાહેર કરી દેવામાં આવી છે. આથી તા.28 સપ્ટેમ્બરને રવિવારથી તા.2 ઓક્ટોબરને ગુરૂવાર, પાંચ દિવસ સુધી પ્રાથમિક શાળાઓમાં મીની વેકેશન રહેશે.