Site icon Revoi.in

થરાદના દેવપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા 5નાં મોત

Social Share

પાલનપુરઃ થરાદ નજીક  દેવપુરા ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકતા કારમાં પ્રવાસ કરી રહેલા કિયાલ ગામના ગોસ્વામી પરિવારના પાંચ સભ્યનાં મોત થયાં હતા. કાર નર્મદા કેનાલમાં ખાબકી હોવાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો અને પાલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને તરવૈયાની મદદથી બચાવની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકી અને તેમના પિતાના મૃતદેહો મળ્યા હતા  જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે. ઘટનાની જાણ થતાં થરાદ મામલતદાર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  કિયાલ ગામનો પરિવાર દિયોદરના ભેસાણ ગામે ગોગા મહારાજનાં દર્શન કરવા ગયો હતો અને ઘરે પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી. કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા, જેમાં ત્રણ બાળકી અને એક પુરુષની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે. એક મહિલા હજુ પણ ગુમ છે અને ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે. મૃતકોમાં  ગોસ્વામી નવીન જીવાપુરી, ગોસ્વામી હેતલબેન નવીનપુરી (ઉંમર: 28 વર્ષ), ગોસ્વામી કાવ્યાબેન નવીનપુરી (ઉંમર: 6 વર્ષ), ગોસ્વામી મીનલબેન નવીનપુરી (ઉંમર: 3 વર્ષ) અને ગોસ્વામી પિયુબેન નવીનપુરી (ઉંમર: 2 વર્ષ)નો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. સ્થાનિક લોકો અને બચાવ ટીમો દ્વારા મહિલાની શોધખોળ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આખો પરિવારને કાળ આંબી જતાં મૃતકોનાં પરિવારજનોએ કેનાલના કાંઠે હૈયાફાટ રુદનથી વાતાવરણ કરુણ બન્યું હતું.

આ બનાવમાં પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડ્રાઈવરે કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર કેનાલમાં ખાબકી હોવાની શક્યતા સેવાઈ રહી છે.  અકસ્માતના બનાવ બાદ કેનાલ પર લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. ગોસ્વામી પરિવારની કારને ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયા દ્વારા કાઢવામાં આવી હતી. ત્યારે કેનાલના કાંઠે લોકોની ભીડ એકઠી થઈ હતી. તેમાંથી કેટલાક લોકો દોરડા ખેંચીને કારને બહાર કાઢવામાં મદદરૂપ થઈ રહ્યા હતા. જ્યારે કેનાલને કોર્ડન કરવા સ્થાનિક લોકોએ જ લોખંડની જાળી અને લાકડાની થાંભલીઓથી મદદ કરી હતી.

Exit mobile version