ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી
- પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ગુજરાતને ભેટ, આગામી સમયમાં રાજ્યના 8 શહેરોમાં 750 ઇ-બસો દોડશે
ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: 50 state-of-the-art electric buses inaugurated in Bhavnagar વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેર માટે 50 ઇ-બસોને લીલી ઝંડી આપી હતી.
ભારતનાં શહેરોમાં ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી સ્વચ્છ, વિશ્વસનીય અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પીએમ ઇ-બસ સેવા એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજનાના પ્રારંભિક તબક્કામાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર (નાગપુર), ચંડીગઢ અને આસામ (ગુવાહાટી)માં પણ બસો ફાળવવામાં આવી છે.

આ પણ વાંચોઃ શિક્ષકો પાસે કૂતરાં ગણાવવાની વાત પાયાવિહોણી, જાણો હકીકત શું છે?
રાજ્યમાં આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના આઠ શહેરોમાં આ યોજના અંતર્ગત 750 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર ગુજરાતનું પ્રથમ શહેર છે જ્યાં આ યોજના અંતર્ગત 50 બસોની ભેટ આપવામાં આવી છે. ભાવનગરમાં કુલ 100 બસો દ્વારા નાગરિકો માટે પરિવહનની સુવિધાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. આ બસો દિવ્યાંગો માટે અનુકૂળ અને એરકન્ડિશન્ડ સુવિધાથી સજ્જ છે. સુરક્ષાના ભાગરૂપે તેમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
આગામી સમયમાં રાજ્યમાં આઠ શહેરોમાં ઇ બસો શરૂ કરવામાં આવશે જેમાં વડોદરામાં 250, રાજકોટમાં 100, ભાવનગરમાં 100, ગાંધીનગરમાં 100, જામનગરમાં 50, જુનાગઢમાં 50, ગાંધીધામમાં 80 અને નવસારીમાં 20 ઇ બસો દોડાવવામાં આવશે. ઇલેક્ટ્રિક બસો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને ટેક્નિકલ સુવિધાઓ વિકસિત કરવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સંકલિત પ્રયાસના ભાગરૂપે આ પહેલ પર્યાવરણને અનુકૂળ પરિવહનની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે.


