નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત પર ૫૦ ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી. વોશિંગ્ટન, ડીસીમાં આઈએમએફ-વર્લ્ડ બેંકની બેઠકો દરમિયાન એક કાર્યક્રમમાં બોલતા, મલ્હોત્રાએ કહ્યું કે ભારતનો સ્થાનિક-સંચાલિત અર્થતંત્ર તરીકેનો દરજ્જો યુએસ ટેરિફની નકારાત્મક અસરને નહિવત કરે છે.ભારતીય વેપાર વાટાઘાટ ટીમ યુએસ અધિકારીઓ સાથે ચર્ચાના આગામી રાઉન્ડ માટે વોશિંગ્ટનમાં પહેલેથી જ છે.
આરબીઆઈ ગવર્નરે એમ પણ કહ્યું કે તેઓ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભારતીય વાટાઘાટ ટીમના સભ્યોને મળ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ૫૦ ટકા ટેરિફ વધારા છતાં, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની અમેરિકામાં નિકાસ વધીને ૪૫.૮૨ અબજ ડોલર થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૪૦.૪૨ અબજ ડોલરના સંબંધિત આંકડા કરતાં ૧૩.૩ ટકાનો વધારો દર્શાવે છે.