Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લામાં 13 પ્રથમિક શાળાઓના જર્જરિત બનેલા 51 વર્ગખંડો તોડી પડાશે

Social Share

ગાંધીનગરઃ જિલ્લાની ઘણીબધી પ્રાથમિક શાળા એવી છે, કે તેના વર્ગખંડો જર્જરિત છે. આ અંગેની ફરિયાદો ઉઠતા પ્રાથમિક શાળાઓમાં કેટલા જર્જરિત વર્ગ ખંડો છે. એનો સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં સર્વેના રિપોર્ટ બાદ જિલ્લાની 13 પ્રાથમિક શાળાઓના 51 જર્જરીત ઓરડાઓને તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે. જર્જરિત 51 ઓરડાઓને નિર્માણ થયાને 25 વર્ષથી ઓછો સમય થયો હોવાથી સમિતિમાં મંજૂરી અપાઇ છે.

ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓના જર્જરીત ઓરડાઓને સમયાંતરે ઉતારીને નવા બનાવવામાં આવી રહ્યા છે. તેમાં જિલ્લા શિક્ષણ સમિતિની તાજેતરમાં મળેલી બેઠકમાં જે ઓરડાઓને બનાવ્યાને 25 વર્ષથી ઓછો સમય થયો હોય તેવા 13 પ્રાથમિક શાળાઓના 51 જર્જરીત ઓરડાઓને તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં ધાબાવાળા, પતરા અને નળિયાવાળા અને સિન્ટેક્ષના રૂમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓના ઓરડા 25 વર્ષથી વધુ સમય થયો હોય અને જર્જરીત હાલતમાં હોય તો તેનો સર્વે કરાવવામાં આવે છે. તેના માટે રાજ્યના શિક્ષણ વિભાગે નિયત કરેલી જિલ્લાની કમિટી દ્વારા જર્જરિત રૂમોનો અભ્યાસ કરીને જર્જરિત છે કે રિપેરીંગ થઇ શકે છે સહિતના અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવે છે. જ્યારે જે શાળા અને તેના ઓરડાઓ નિર્માણ થયાને 25 વર્ષથી ઓછા થયા હોય તેવા જર્જરીત ઓરડાઓને સ્થાનિક સમગ્ર શિક્ષા અભિયાનના સિવિલ વિભાગ દ્વારા ચકાસણી કરીને ઓરડા જર્જરીત છે કે નહીં તેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. ત્યારે જિલ્લાના ચારેય તાલુકાની કુલ-13 શાળાઓના 51 ઓરડના જર્જરીત હાલતમાં હોવાથી તેને તોડી પાડવાની મંજૂરી જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં આપવામાં આવી છે.