Site icon Revoi.in

અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્ણ, 3 દિવસમાં 4 લાખ ભાવિકોએ લાભ લીધો

Social Share

અંબાજી,  2 ફેબ્રુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ત્રિ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ રવિવારે પૂર્ણ થયો છે. પરિક્રમાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ સાથે ત્રણ દિવસમાં કુલ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ પૂનમને લઇ મા અંબાજી મંદિર પણ માઇભક્તોથી ઉભરાઇ ગયું હતુ.

આદ્ય શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ રવિવારે સંપન્ન થયો હતો. જ્યાં દેશ-વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠોના આબેહૂબ દર્શનનો લાહવો લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગબ્બર વિસ્તાર જય અંબે’ ના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય વાતાવરણમાં પરિક્રમા પથ ભક્તોથી ઉભરાયો હતો. ત્રણ દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. કુલ 1,34,988 શ્રદ્ધાળુઓએ નિ:શુલ્ક ભોજન, 1,44,809 મોહનથાળ, 12,198 ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ થયું હતુ.

પરિક્રમાના અંતિમ દિવસે પરિક્રમા પથના 2.50 કિલોમીટરના નિયત રૂટ પર શક્તિપીઠ પરિક્રમાનો મહિમા અને સંદેશ ગામેગામ પહોંચે તેને અનુલક્ષીને સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ઓપન કેટેગરી, સરકારી કર્મચારીઓ, તેમજ યુવક- યુવતીઓના ચાર વિભાગોમાં કુલ 1012 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રથમ ક્રમે આવનારને રૂ.5100 અને શિલ્ડ, બીજા ક્રમે રૂપિયા 3100 અને શિલ્ડ તથા ત્રીજા ક્રમે રૂપિયા 2100 અને શિલ્ડ અપાયો હતો. દરમિયાન રવિવારે મહાસુદ પૂનમ પણ હોઇ માં અંબાનું મંદિર શ્રધ્ધાળુઓથી ઉભરાઇ ગયું હતુ.

Exit mobile version