અમદાવાદ, 7 જુન, 2026 : 6 accused arrested with fake notes worth Rs 28.94 lakh શહેરના વટવામાં પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-8ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નકલી નોટો સાથે 6 શખસોને દબોચી લીધા છે. પોલીસે આંતરરાજ્ય કનેક્શન ધરાવતા આ કૌભાંડમાં 28.94 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વટવામાં પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-8ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નકલી નોટોનાવ કારોબારનો પડદાફાશ કર્યો છે. આ ગુનાઈત કાવતરાનો મુખ્ય સૂત્રધાર ઈમરાન સબ્બીર સિંધા હતો. તેણે આ વર્ષે માર્ચ મહિનાથી વટવા વિસ્તારમાં આવેલા ‘સતેજ હોમ્સ’માં એક મકાન ભાડે રાખ્યું હતું. આ મકાનમાં કમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને અન્ય હાઈટેક સાધનો વસાવીને 500 રૂપિયાના દરની નકલી નોટો છાપવાનું કારખાનું શરૂ કર્યુ હતું. આરોપીઓએ અત્યાર સુધીમાં આશરે 60 લાખ રૂપિયાની ફેસ વેલ્યૂવાળી નકલી નોટો છાપી હોવાના પુરાવા મળ્યા છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્ય આરોપી ઈમરાન સિંધાનું કોઈ કારણોસર મોત થયું હતું. તેના મોત બાદ ગેંગના અન્ય સભ્યો પોલીસ પકડથી બચવા માટે પ્રિન્ટિંગના મશીનો, કમ્પ્યુટર અને છાપેલી નકલી નોટો લઈને અન્ય રાજ્યોમાં ભાગી ગયા હતા. વટવા પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડીને આ ટોળકીને દબોચી લીધી હતી. પોલીસે આ કેસમાં અલગ-અલગ રાજ્યોના કનેક્શન ધરાવતા શંકાસ્પદોની ધરપકડ કરી છે. જેમાં મૂળ બિહારના 20 વર્ષીય સૂરજ સહાની, બિહારના 23 વર્ષીય રવિકુમાર શાહ, ઉત્તર પ્રદેશના 25 વર્ષીય વિરુ બઘેલ, ઉત્તર પ્રદેશના 23 વર્ષીય ચંદ્રમોહન શર્મા, અને એક કિશોરનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા ટેકનિકલ પુરાવાના આધારે પોલીસે બનાસકાંઠા જિલ્લાના રહેવાસી 49 વર્ષીય મેરાજ રબારીની પણ ધરપકડ કરી છે.

