ભાવનગર, 4 મે 2026: 6 people injured after speeding car hits bike જિલ્લાના સિહોરમાં હાઈવે પર બપોરના સમયે પૂરઝડપે આવતી એક ઓરા કારના ચાલકે રોડ પર બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલા સહિત કુલ 6 લોકો લોહીલુહાણ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સિહોરના ગુંદાળા રામનગર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વિશાલભાઈ ધીરૂભાઈ ગોહિલ ભાવનગરથી કામ પતાવી સિહોર આવ્યા હતા. તેમનો પિતરાઈ ભાઈ રાહુલ બાઈક લઈને તેમને તેડવા આવ્યો હતો. બપોરે આશરે દોઢ વાગ્યાની આસપાસ જ્યારે તેઓ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ડો. કે.ડી. રાઠોડના દવાખાના સામે પાછળથી આવતી ઓરા કારના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે વિશાલભાઈ, રાહુલ અને અન્ય એક મહિલા સહિત કુલ 6 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિહોર હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ (સર ટી હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવ્યા છે.
સિહોર પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક જાહિદભાઈ હુસેનભાઈ સોરઠીયા (રહે. સિહોર) વિરુદ્ધ વિશાલભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ BNS એક્ટની કલમ 281, 125(a), 125(b) તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

