Site icon Revoi.in

સુરતમાં વરાછા વિસ્તારની શાળાઓમાં રત્નકલાકારોના 603 બાળકોએ ભણતર છોડ્યું

Social Share

સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપકસમંધીનો દૌર ચાલી રહ્યો છે. સુરત શહેર એ હીરા ઉદ્યોગનું માન્ચેસ્ટર ગણાય છે. ગામ-પરગામના અનેક લોકોએ હીરા ઉદ્યોગમાં રોજગારી મેળવવા સુરતમાં આવીને વસવાટ શરૂ કર્યો હતો. પણ હાલ હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે અનેક કારખાનાંને તાળાં લાગી ગયા છે. અને રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે. બેરોજગાર બનેલા રત્નકલાકારોએ વતનની વાટ પકડી છે. તેના લીધે શાળાઓમાં અભ્યાસ કરતા રત્નકલાકારના બાળકો શાળા છોડી રહ્યા છે. છેલ્લા મહિનામાં શહેરના વરાછા વિસ્તારની મ્યુનિની શાળાઓમાંથી 603 બાળકોને ભણતર છોડી દીધું છે.

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીના કારણે દિવાળી વેકેશન પછી અનેક કારખાનાઓ શરૂ થયા નથી, તેની સીધી અસર હવે રત્નકલાકારોના બાળકોના ભણતર પર પડી રહી છે.  શહેરના વરાછા ઝોનમાં જ્યાં હજારો હીરાના કારખાના-ફેક્ટરીઓ આવેલી છે અને લાખો રત્નકલાકારો વસે છે, એવા આ વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાંથી 603 જેટલા બાળકોએ એલસી લઈને અધવચ્ચે ભણતર છોડ્યું છે. આ સ્થિતિનું મુખ્ય કારણ હીરા ઉદ્યોગમાં મંદી હોવાનું માનવામાં આવે છે.

સૂત્રોના કહેવા મુજબ સમગ્ર વિશ્વના 100માંથી 90 હીરાના કટીંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધ અને એક પછી એક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદી છે. આ વખતે દિવાળી વેકેશન લંબાયું હતું અને વેકેશન પછી પણ મોટાભાગની ડાયમંડ ફેક્ટરીઓ અને કારખાનાઓ ચાલુ થયા નથી. આ પરિસ્થિતિને કારણે લાખો રત્નકલાકારોના આજીવિકા ઉપર અસર પડી છે. વરાછા ઝોનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં રત્નકલાકારોના બાળકો મોટી સંખ્યામાં ભણતા હોય છે. હવે, આ બધી સ્કૂલોમાંથી 603 બાળકોએ ફોર્મલ રીતે એલસી લીધી છે.

આ અંદે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે, વરાછા ઝોનમાં શિક્ષણ સમિતિની કુલ 50 જેટલી સ્કૂલો આવેલી છે. અહીં મુખ્યત્વે રત્નકલાકારોના બાળકો એડમિશન લઈને ભણતા હોય છે. આ 50 સ્કૂલોમાંથી 603થી વધુ વિદ્યાર્થીએ પોતાનું એલસી લઈને સ્કૂલો છોડી દીધી છે. હવે આ વિદ્યાર્થીઓ સ્કૂલોમાંથી એલસી કેમ લઈ ગયા છે, તે અંગે તપાસ કરાશે.