Site icon Revoi.in

ચોટિલા નજીક ગેરકાયદે 7 સ્ટોન ક્રશર પ્લાન્ટ્સ સીલ, 3.71 કરોડનો માલ જપ્ત

Social Share

સુરેન્દ્રનગર, 3 જુલાઈ, 2026 : 7 illegal stone crusher plants sealed, goods worth Rs 3.71 crore seized જિલ્લામાં ખનીજ ચોરી સામે ઝૂંબેશ હાથ ધરાયા બાદ ખાનગી અને સરકારી સર્વે નંબરોમાંથી ગેરકાયદે ચાલતા સેન્ડ સ્ટોનના ખનન સામે તપાસ હાથ ધરવામાં આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમે ઝરીયા મહાદેવ અને વાવડી વિસ્તારમાં આવેલા સ્ટોન ક્રશર એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં કુલ સાત ગેરકાયદેસર સ્ટોન ક્રશર પ્લાન્ટ સીલ કરવામાં આવ્યા હતા અને રૂ. 3.71 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ચોટિલાના પ્રાંત અધિકારી મકવાણા ખનીજચોરી સામે સતત કાર્યવાહી કરતા રહે છે. અને કોઈના દબાણને વશ થયા વિના કડક કાર્યવાહી કરતા હોવાથી તેમની કડક અધિકારીની છાપ છે. પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમે ઝરીયા મહાદેવ અને વાવડી વિસ્તારમાં આવેલા સ્ટોન ક્રશર એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી  તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ સ્ટોન ક્રશર એકમો દ્વારા આસપાસના ખાનગી અને સરકારી સર્વે નંબરોમાંથી ગેરકાયદેસર રીતે સેન્ડ સ્ટોનનું ખનન કરવામાં આવતું હતું. ખનન કરેલા ખનીજનો સંગ્રહ, પરિવહન અને પ્રોસેસિંગ કરીને આ પ્લાન્ટ્સ ચલાવવામાં આવતા હતા.

સૂત્રોના કહેવા મુજબ  ખાણ અને ખનીજ વિભાગની ટીમ સાથે સ્થળ પર માપણી કરતા, મોજે પાંજવાળી વિસ્તારમાં અંદાજે ૭ હેક્ટર અને મોજે વાવડી વિસ્તારમાં અંદાજે ૧ હેક્ટર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ અંગે વિગતવાર માપણી અને પંચનામાની કાર્યવાહી હાથ ધરીને સંબંધિત કાયદા મુજબ દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કાર્યવાહી કરાયેલા સ્ટોન ક્રશર એકમોમાં મોજે પાંજવાળી (ઝરીયા મહાદેવ વિસ્તાર)ના સર્વે નં. ૧૮૯, ૧૯૦, ૨૦૩ અને ૨૦૪ પર આવેલા છ પ્લાન્ટનો સમાવેશ થાય છે, જેના વહીવટકર્તા મુનાભાઈ અનકુભાઈ ખાચર છે. આ ઉપરાંત, મોજે વાવડીના સર્વે નં. ૪૯/પૈકી-૨ પર આવેલો એક કે.કે. સ્ટોન ક્રશર પ્લાન્ટ પણ સીલ કરાયો છે, જેના સંચાલકો જયવીરભાઈ ભરતભાઈ કરપડા, કુલદીપભાઈ ભરતભાઈ કરપડા, જયદીપભાઈ જોરુભાઈ ખાચર અને બલવીરભાઈ શાંતુભાઈ ખાચર છે.

 સંયુક્ત તપાસ દરમિયાન GPCB (ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ)ની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. સ્ટોન ક્રશર અંગેની CPCB અને GPCB દ્વારા ૨૦૨૩માં નિર્ધારિત પર્યાવરણીય માર્ગદર્શિકા તથા Consent to Establish (CTE) અને Consent to Operate (CTO) ની શરતોનું પાલન ચકાસવામાં આવ્યું હતું. તપાસમાં ધૂળ નિયંત્રણ માટે જરૂરી વોટર સ્પ્રિંકલર, ફોગિંગ સિસ્ટમ, એન્ક્લોઝર, કન્વેયર બેલ્ટ કવરિંગ, બેગ ફિલ્ટર, ડસ્ટ કલેક્શન સિસ્ટમ, વિન્ડ બ્રેકિંગ વોલ, ગ્રીન બેલ્ટ, CCTV, ડિસ્પ્લે બોર્ડ અને પાણીના પુનઃઉપયોગ સહિતના ફરજિયાત પર્યાવરણીય ધોરણોનું ગંભીર ઉલ્લંઘન જોવા મળ્યું હતું.  તપાસ દરમિયાન સ્થળ પરથી ૭ સ્ટોન ક્રશર પ્લાન્ટ ૧ હિટાચી મશીન ૧ ડમ્પર, ૧ લોડર અને અંદાજે ૨૦૦ મેટ્રિક ટન સિલિકા આમ કુલ અંદાજિત રૂ.૩,૭૧,૧૦,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ કરોડ એકોતેર લાખ દસ હજાર પુરા) નો મુદ્દામાલ સ્થળ ઉપર જ સીઝ કરવામાં આવ્યો હતો.

Exit mobile version