સૌથી શિક્ષિત “ગણાતા” રાજ્ય કેરળના 70 ટકા ધારાસભ્યો ફોજદારી કેસોમાં સપડાયેલા છે
નવી દિલ્હી, 19 માર્ચ, 2026: Kerala દેશના સૌથી શિક્ષિત રાજ્ય તરીકે ચગાવવામાં આવતા કેરળના મોટાભાગના ધારાસભ્યો ફોજદારી કેસોમાં સંડોવાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને કેરળ ઈલેક્શન વોચના નવા અહેવાલમાં ખુલાસો થયો છે કે કેરળ વિધાનસભાના વર્તમાન ધારાસભ્યોમાંથી લગભગ 70 ટકા પર ગુનાઈત કેસો નોંધાયેલા છે.
આ અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કેરળના અડધાથી વધુ વર્તમાન ધારાસભ્યો કરોડપતિ છે. રિપોર્ટમાં રાજ્યના 132 ધારાસભ્યોના સોગંદનામાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે 92 ધારાસભ્યોએ પોતાના પર પેન્ડિંગ ગુનાઈત કેસો જાહેર કર્યા છે. આમાંથી 33 ધારાસભ્યો પર ગંભીર ગુનાઈત કેસો છે, જેમાં હત્યા અને હત્યાના પ્રયાસના આરોપો સામેલ છે.
આ પણ વાંચોઃ ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’: યુવાનો માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની સુવર્ણ તક
હત્યાના કેસ
રિપોર્ટ મુજબ, 2 ધારાસભ્યોએ IPC ની કલમ 302 (હત્યા) ના કેસો જાહેર કર્યા છે. ત્રણ ધારાસભ્યો પર હત્યાના પ્રયાસ (કલમ 307) ના આરોપ છે. આ ઉપરાંત 3 ધારાસભ્યો પર મહિલાઓ વિરુદ્ધના અપરાધના કેસો છે, જેમાંથી એકમાં બળાત્કારનો આરોપ પણ સામેલ છે. સૌથી વધુ ગુનાઈત કેસો CPI(M) ના ધારાસભ્યો પર છે, જ્યારે બીજા નંબરે કોંગ્રેસ છે. જોકે ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો કોંગ્રેસ પહેલા અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) બીજા નંબરે છે.
કયા કયા પક્ષોના ધારાસભ્યો વિરુદ્ધ ફોજદારી કેસ?
પક્ષવાર આંકડા જોઈએ તો દરેક પક્ષમાં સ્થિતિ ચિંતાજનક છે. પક્ષો મુજબના આંકડા નીચે મુજબ છે:
CPI(M)ના 58 માંથી 43 ધારાસભ્યો (74 ટકા) પર ગુનાહિત કેસો છે.
કોંગ્રેસના 21 માંથી 19 ધારાસભ્યો (90 ટકા) પર કેસો છે.
CPIના 44 ટકા ધારાસભ્યો પર કેસો નોંધાયેલા છે.
IUMLના 86 ટકા ધારાસભ્યોએ ગુનાઈત કેસો જાહેર કર્યા છે.
કરોડપતિ MLA
આર્થિક સ્થિતિની વાત કરીએ તો 72 ધારાસભ્યોએ (55 ટકા) પોતાની સંપત્તિ 1 કરોડ રૂપિયાથી વધુ દર્શાવી છે. તમામ 132 ધારાસભ્યોની કુલ સંપત્તિ 363.78 કરોડ રૂપિયા છે. એક ધારાસભ્યની સરેરાશ સંપત્તિ 2.75 કરોડ રૂપિયા છે. કેટલાક પક્ષોના તમામ ધારાસભ્યો કરોડપતિ છે જેમાં કેરળ કોંગ્રેસ (M), JD(S), NCP અને કેરળ કોંગ્રેસ સામેલ છે. IUML ના 86 ટકા ધારાસભ્યો કરોડપતિ છે, કોંગ્રેસના 62 ટકા અને CPI(M) ના 40 ટકા ધારાસભ્યો કરોડપતિઓની યાદીમાં સામેલ છે.
સૌથી ધનિક અને સૌથી ગરીબ ધારાસભ્ય
કોંગ્રેસના માથ્યુ કુજલનાદન રાજ્યના સૌથી ધનિક ધારાસભ્ય છે. તેમની કુલ સંપત્તિ 34 કરોડ રૂપિયાથી વધુ છે. બીજા નંબરે અપક્ષ ધારાસભ્ય મણિ સી. કપ્પન છે, જેમની સંપત્તિ 27 કરોડ રૂપિયાથી વધુ છે. ત્રીજા નંબરે કેરળ કોંગ્રેસ (B) ના કેબી ગણેશ કુમાર છે, જેમની પાસે 19 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. સૌથી ઓછી સંપત્તિવાળા ધારાસભ્ય CPI(M) ના પીપી સુમોદ છે, જેમણે માત્ર 9.9 લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.
સૌથી વધુ ભણેલા ધારાસભ્યો
શિક્ષણની બાબતમાં 61 ટકા ધારાસભ્યો ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણેલા છે. 36 ટકાએ ધોરણ 5 થી 12 સુધીનો અભ્યાસ દર્શાવ્યો છે. ADR ના રિપોર્ટ મુજબ, રાજ્યની વિધાનસભામાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે. માત્ર 11 ધારાસભ્યો જ મહિલાઓ છે જે કુલ સંખ્યાના 8 ટકા છે. ઉંમરની વાત કરીએ તો 70 ટકા ધારાસભ્યો 51 થી 80 વર્ષની વચ્ચે છે, જ્યારે 30 ટકા 25 થી 50 વર્ષની વયજૂથમાં છે.


