વડોદરાની નંદેસરી GIDCમાં કોરોનાનો ભરડોઃ 400 કર્મચારીઓ થયા સંક્રમિત
- પોઝિટિવ કર્મચારીઓને કરાયાં હોમ ક્વોરન્ટીન
- જીડીઆઈડીની અનેક કંપનીઓમાં કોરોનાનો પગપેસારો
- કંપનીના કર્મચારીઓની ચિંતામાં થયો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા માસ્ક અને સામાજીક અંતર સહિતની સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. તેમજ જાણીતી કંપનીના બે-પાંચ નહીં પરંતુ 400 જેટલા કર્મચારીઓ સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર નંદેસરી GIDC અને રણોલીની GIDCની કેટલીક જાણીતી કંપનીમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. આ કંપનીઓના લગભગ 400 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. એક પછી એક કંપનીઓના કર્મચારી કોરોના સંક્રમિત થતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોરોના પોઝિટિવ કર્મચારીઓને હોમ ક્વોરન્ટીન કરીને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
તાજેતરમાં જ નંદેસરી ખાતેની રાષ્ટ્રીયકૃત બેંકની શાખામાં બ્રાન્ચ મેનેજર સહિત 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેને પગલે બેંકને બંધ કરવામાં આવી હતી અને હવે નંદેસરી GIDCની કંપનીઓમાં કોરોના વિસ્ફોટ થતાં કર્મચારીઓ અને તેમના પરિવારજનો ચિંતામાં મૂકાઇ ગયા છે. બીજી તરફ તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જિલ્લાના તબીબો અને નર્સની પણ મદદ લેવામાં આવી રહી છે.