ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ હવે કોરોનાની ઝપટે બાળકો પણ ચડી રહ્યાં હોવાથી વાલીઓ પણ ચિંતિત બન્યાં છે. દરમિયાન ધો-1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી ઉઠી છે. દરમિયાન માસ પ્રમોશનને લઈ આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાથે પરામર્શ કરી નિર્ણય કરવામાં આવશે. તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી માટે પુજા કાઉન્સીલીંગ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગ્રે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વર્ચ્યુઅલ હાજરી આપી હતી. માસ પ્રમોસનને લઈને તેમણે જણાવ્યું હતું કે, માસ પ્રમોશનને લઈ આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાથે પરામર્શ કરી નિર્ણય કરવામાં આવશે. હાલ તો કોરોનાના કેસ જે રીતે વધી રહ્યાં છે તે મુજબ માસ પ્રમોશન આપવું જરૂરી છે. જો કે હજુ કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમજ વિદ્યાર્થીના સિલેબસમાં ફેરફાર નહીં પરંતુ ઘટાડા વિશે આગામી બે અઠવાડિયામાં વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીને લઈને દેશના 2 રાજ્યોમાં ધો.1 થી 8માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા દોઢ અઠવાડિયાથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેથી વિદ્યાર્થીઓના માસ પ્રમોશન આપવાની માંગણી વાલીઓ કરી રહ્યાં છે. હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે.


