વડોદરામાં હોમ ક્વોરન્ટાઈન કોરોના પીડિતોના ઘરે પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. હજારો દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. દરમિયાન કેટલાક દર્દીઓ કોમ ક્વોરન્ટાઈનના નિયમોનો ભંગ કરીને ઘરની બહાર નીકળતા હોવાની ફરિયાદો ઉઠી છે. વડોદરામાં હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. તેમજ પોલીસની ટીમ જે તે વ્યક્તિના ઘરે જઈને સરપ્રાઈસ ચેકીંગ કરશે. પોલીસે આ અંગે આરોગ્ય વિભાગ પાસેથી વડોદરામાં હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની યાદી માંગી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હોમ ક્વોરન્ટાઈન નિયમોનો થઈ રહેલા ભંગને લઈ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંહ દ્વારા હોમ આઈસોલેશનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી હવે વડોદરામાં હૉમ આઈસોલેટ વ્યક્તિ બહાર ફરતી જોવા મળશે તો પગલા લેવાશે. આ માટે પોલીસે આરોગ્ય વિભાગ પાસેથી હોમ ક્વૉરન્ટાઈન લોકોની યાદી મંગાવવામાં આવી છે અને હવે પોલીસ ક્વૉરન્ટાઈન લોકોના ઘરે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરશે. વડોદરામાં 8500થી વધુ ઘરો કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા છે.
વડોદરામાં પોલીસ દ્વારા કોરોનાના કેસ વધતાને પગલે પ્રજાને સતત અપીલ કરવામાં આવી રહી છે કે, માસ્ક પહેરો અને સમાજીક અંતરનું પાલન કરો. આ ઉપરાંત સરકારની કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા પણ અવાર-નવાર વિનંતી કરવામાં આવી છે. તેમ છતા અનેક લોકોને કોરોનાનો ડર જ ન હોય તેમ માસ્ક વિના ફરતા પકડાય છે. વડોદરા પોલીસે માસ્ક વિના ફરતા લોકોને ઝડપી લેવા માટે પણ કવાયત શરૂ કરી છે.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

