
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેનનું અમદાવાદમાં કોરોનાથી નિધન
- પીએમ મોદીના કાકી નર્મદાબેનનું નિધન
- 80 વર્ષીય નર્મદાબેનનું કોરોનાથી નિધન
- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતા દાખલ
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેન મોદીનું મંગળવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. 80 વર્ષીય નર્મદાબેન તેના બાળકોની સાથે શહેરના નવા રાણીપ વિસ્તારમાં રહેતા હતા.
વડાપ્રધાનના નાના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સંક્રમણને કારણે તબિયત લથડતા અમારા કાકી નર્મદાબેનને આશરે દસ દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રહલાદ મોદીએ કહ્યું કે, તેમણે આજે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમણે કહ્યું હતું કે, તેમના કાકીના પતિ જગજીવન દાસ વડાપ્રધાન મોદીના પિતા દામોદરદાસના ભાઈ હતા અને ઘણા વર્ષો પહેલા તેનું અવસાન થયું હતું.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને નિધન પર દુઃખ વ્યક્ત કરતાં ટવિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાકી શ્રીમતી નર્મદાબેન મોદીજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, દિવંગત આત્માને તેના ચરણોમાં સ્થાન મળે અને પરિવારજનોને આ તીવ્ર વેદના સહન કરવાની શક્તિ આપે. વિનમ્ર શ્રદ્ધાંજલિ.