1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદના ગાંધીગ્રામ ખાતે રેલવે અને મેટ્રો ટ્રેનના મુસાફરોને જોડતું સ્ટેશન બનાવાશે
અમદાવાદના ગાંધીગ્રામ ખાતે રેલવે અને મેટ્રો ટ્રેનના મુસાફરોને જોડતું સ્ટેશન બનાવાશે

અમદાવાદના ગાંધીગ્રામ ખાતે રેલવે અને મેટ્રો ટ્રેનના મુસાફરોને જોડતું સ્ટેશન બનાવાશે

0
Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી બોટાદ રેલવે રૂટ પર ગાંધીગ્રામ સ્ટેશન ખાતે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન તેમજ મેટ્રો સ્ટેશન માટે ઇન્ટિગ્રેટેડ બિલ્ડિંગ તૈયાર કરાઈ રહ્યું છે. જ્યાં બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રેલવે પ્લેટફોર્મની સાથે પ્રથમ માળે રેલવેની ઓફિસ તેમજ રેસ્ટ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે. જ્યારે બીજા માળે મેટ્રોની બુકિંગ ઓફિસ, વેઇટિંગ એરિયા સહિતની સુવિધા તેમજ ત્રીજા માળે મેટ્રો ટ્રેન માટે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. આશ્રમરોડ નજીક ગાંધીગ્રામ ખાતે તૈયાર થઈ રહેલા આ સ્ટેશન શહેરી પેસેન્જરોની સાથે ગ્રામીણ પેસેન્જરોને જોડતું શહેરનું મુખ્ય સ્ટેશન બનશે.

મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ ફેઝમાં એપીએમસીથી મોટેરાનો નોર્થ સાઉથ કોરિડોર ગાંધીગ્રામ સ્ટેશન થઈને પસાર થઈ રહ્યો છે. રેલવે લાઈનની સમાંતર મેટ્રો રૂટ માટે જીએમઆરસી દ્વારા ગાંધીગ્રામ ખાતે રેલવે સ્ટેશનની સાથે મેટ્રો સ્ટેશન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સ્ટેશન બહાર ટ્રાફિક જામ ન થાય તે માટે એન્ટ્રી અને એક્ઝિટ વ્યવસ્થા પણ કરાશે. ટ્રેન દ્વારા ગાંધીગ્રામ સ્ટેશને આવતા પેસેન્જરોને શહેરમાં અન્ય સ્થળે જવા માટે મેટ્રો ટ્રેનની સુવિધા મળી રહેશે. મેટ્રો ટ્રેન પકડવા માટે પેસેન્જરોને પ્લેટફોર્મથી બહાર જવાની જરૂર નહીં પડે.

લિફ્ટ તેમજ એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ કરાવાતા પેસેન્જરો તેની મદદથી પ્લેટફોર્મ પરથી સીધા મેટ્રો સ્ટેશને પહોંચી શકશે. અમદાવાદ-બોટાદ મીટરગેજનું બ્રોડગેજમાં રૂપાંતરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ રૂટ્સ પર ટ્રેનો શરૂ થશે ત્યારે બોટાદ જ નહીં પણ ભાવનગર સુધી  ટ્રેનમાં મુસાફરી કરવાનો મુસાફરોને લાભ મળશે. બોટાદ અને ભાવનગર સુધી બ્રોડગેજ લાઈન છે. અને વાયા સુરેન્દ્રનગર, લીંબડી થઈને અમદાવાદ-ભાવનગર વચ્ચે ટ્રેનો દોડી રહી છે. અમદાવાદ-બોટાદ વચ્ચે બ્રોડગેજ પૂર્ણ થઈ જતા મુસાફરોને ભાવનગર પહોંચવામાં સરળતા રહેશે અને સમયનો પણ બચાવ થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code