જુલાઈ મહિનામાં સ્કૂલ-કોલેજો ફરીથી શરૂ કરવાની વિચારણા, મોદી સરકારે વિવિધ રાજ્ય સરકારો પાસેથી લેશે અભિપ્રાય
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ધબકતું થયું છે. દરમિયાન આગામી જુલાઈ મહિનાથી સ્કૂલો ફરીથી શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. ગુજરાતની ભાજપ સરકાર આ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા વિચારણા બાદ અંતિમ નિર્ણય લેશે. હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો સહિતના કર્મચારીઓને કોરોનાની રસી આપવાની કામગીરી ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે લોકડાઉન અને અન્ય નિયંત્રણોને કારણે છેલ્લા એક વર્ષથી સ્કૂલોના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવામાં આવી હતી. જો કે, કોરોનાની બીજી લહેરના કારણે સમગ્ર દેશમાં સ્કૂલો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી. જો કે, હવે કેસમાં ઘટાડો થતા ફરીથી જનજીવન ધબકતું થયું છે. દરમિયાન દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ જુલાઈ માસથી ખોલવા અંગે કેન્દ્ર સરકાર દ્રારા વિચારણા શરૂ કરવામાં આવી છે. જુલાઈ માસમાં કોરોનાવાયરસની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ અંગે કેન્દ્ર સરકાર દ્રારા તમામ રાજ્યો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે. જો પરિસ્થિતિ અનુકુળ હશે તો જુલાઈ માસમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો કેન્દ્ર સરકારનો ઇરાદો છે.
શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓના રસીકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તમામ વિધાર્થીઓને આ સંબંધમાં જરૂરી અગ્રતાક્રમ આપવાની સુચના આપી દેવાઈ છે.