અમદાવાદમાં ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી બે અદ્યત્તન સ્માર્ટ શાળાઓ મ્યુનિ. દ્વારા શરૂ કરાઈ
અમદાવાદ: શહેરમાં કોરોનાને કારણે ઉદ્યોગ-ધંધા રોજગાર ઠપ્પ બનતા લોકોની આવક ઘટી હતી. એમાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની હતી. બીજીબાજુ ખાનગી શાળાઓના સંચાલકોની મનમાનીથી વાલીઓ પરેશાન બન્યા હતા. આથી હવે ગરીબ જ નહીં ઉચ્ચ મધ્યમ વર્ગના વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં ઉઠાવીને મ્યુનિ. શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.બીજીબાજુ મ્યુનિ. શાળાઓ પણ હવે અદ્યત્તન બનાવવામાં આવી રહી છે.
શિક્ષણમંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા દ્વારા આજે બે સ્માર્ટ સ્કૂલો ને ખુલ્લી મુકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વધુ 2 સ્માર્ટ સ્કૂલ શરુ કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આધુનિક સમયમાં ઉચ્ચસ્તરનું શિક્ષણ મેળવી શકે તે હેતુથી લાખોના ખર્ચે આ શાળા તૈયાર કરાઈ છે. આ સ્માર્ટ સ્કૂલો માં વિદ્યાર્થીઓને મળનારી સુવિધાઓ ઉંચી ફી ઉઘરાવતી એવી ખાનગી શાળાને પણ ટક્કર મારે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા બહેરામપુરા ગુજરાતી શાળા નંબર 22 અને 23 ને સ્માર્ટ સ્કૂલમાં તબદીલ કરવામાં આવી છે. સ્માર્ટ સ્કૂલના ઉદ્ધાટનમાં આવેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આધુનિક સાધનો અને વ્યવસ્થાઓ સાથે સરકારી શાળાઓ શરૂ થઈ રહી હોવાનો ગર્વ છે. હું ગૌરવ અનુભવુ છું કે 15 દિવસમાં AMC સ્કૂલમાં 18,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. સરકારી શાળાઓ ની વાત આવે એટલે તૂટેલી, છતો, જમીન પર બેસેલા વિદ્યાર્થીઓ, અપૂરતી સુવિધાના દ્રશ્યો સામે આવી જતા હોય છે. પરંતુ આ સ્માર્ટ શાળાની સુવિધાઓ વિશે જાણશો તો નવાઇ લાગશે. લાખો રૂપિયા ફી વસૂલતી ખાનગી સ્કૂલોને ટક્કર આપી શકે તેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સરકારી શાળાઓ શરૂ થઈ રહી છે. વિનામૂલ્યે વિદ્યાર્થીઓ આધુનિક રમતગમતના સાધનો, પ્રયોગશાળા, પ્લેનેટોરિયમ તેમજ ક્રોમબુક (લેપટોપ)થી અભ્યાસ કરી શકે તે પ્રકારની સુવિધાઓ સાથે સ્માર્ટ સ્કૂલ તૈયાર કરવામાં આવી છે.
સ્માર્ટ સ્કૂલમાં બ્લેક બોર્ડ પર નહીં પણ સ્માર્ટ બોર્ડ પર વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. કેટલાક વર્ગોમાં સ્માર્ટ ટીવી ના માધ્યમથી પણ અભ્યાસ કરાવાશે. ગુગલ ફીચર ક્લાસ અને તેમાં આપવામાં આવેલી સુવિધા જ અહીં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અભ્યાસ માટે રોજ આવવા મજબુર કરી દેશે. આ સ્માર્ટ સ્કૂલમાં પ્રી એજ્યુકેશનલ કીટ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, સાયન્સ અને મેથ્સ લેબ વિથ વર્કિંગ મોડેલ, ડિજિટલ પ્લેનેટોરીયમ, ફ્યુચર ક્લાસરૂમ, ફોલ્સ સીલીંગ, મલ્ટીપ્લે સ્ટેશન અને આઉટડોર રબર મેટ, ફ્રેન્સી બેન્ચીસો, ઇન્ડોર મેટ, CCTV કેમેરાથી લેસ, વ્હાઈટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ બાળકો માટે ઉપલબ્ધ કરાવાઈ છે.
ગરીબ અને સામાન્ય પરિવારના બાળકો અવકાશ વિજ્ઞાનનું પણ જ્ઞાન મળી રહે તે માટે અલાયદું પ્લેનેટોરીયમ બનાવવામાં આવ્યું છે. જેમાં અદભુત ફિલ્મ બતાવવામાં આવે છે, અવકાશ વિષે જાણકારી મેળવવા માંગતા બાળકોને સરળતાથી આકર્ષિત કરતું આ પ્લેનેટોરીયમની મુલાકાત કોર્પોરેશનની સંચાલિત શાળામાં કરવા મળે છે. તેવી સુવિધાઓ ખાનગી શાળાઓમાં પણ ઉપલબ્ધ નથી. તો બાળકો સ્કૂલમાં રમી શકે તે માટે વિશાળ મેદાન, પાર્કિંગની સુવિધા અને સુવ્યવસ્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સ્કુલ તૈયાર કરાઈ છે. ભવિષ્યમાં વધુમાં વધુ સ્માર્ટ સ્કૂલ તૈયાર થાય તો ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોને લાભ મળશે તે નિશ્ચિત છે. જો આવી વધુને વધુ શાળાઓ તૈયાર થશે તો ખાનગી શાળા તરફ વાલીઓનું વધતું આકર્ષણ ઘટશે અને બાળકો સારી તેમજ ઉચ્ચ સુવિધાઓ સાથે સરકારી શાળાઓમાં પણ અભ્યાસ કરી શકશે.