
પંજાબ વિધાનસભાની ચૂંટણી: સંગઠન મહામંત્રી સંતોષે ભાજપની તમામ 117 સીટ પરથી ચૂંટણી લડવાની જાણકારી આપી
- પંજાબમાં વિધાનસભાની ચૂંટણી
- ભાજપ 117 સીટ પર લડશે ઈલેક્શન
- સંગઠન મહામંત્રીએ આપી જાણકારી
અમૃતસર: પંજાબમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. પંજાબમાં રાજકીય પાર્ટીઓએ પોતાના વચન અને ભાષણબાજી પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓ પણ બતાવી દીધી છે. ત્યારે ભાજપ દ્વારા પણ ચૂંટણીને લઈને જાહેરાત કરી દેવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી બીએલ સંતોષે કહ્યું છે કે, પાર્ટી આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ 117 બેઠકો પર ચૂંટણી લડશે અને રાજ્યમાં સરકાર બનાવશે. ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમ સાથે બેઠક કરવા અહીં આવી પહોંચેલા સંતોષે રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે આ જાહેરાત કરી છે.
જો કે આ વખતે ભાજપને અકાલી દળનો સાથ મળે તેવા કોઈ સંકેત જણાઈ રહ્યા નથી. ગત ચૂંટણીમાં ભાજપ અને અકાલી દળ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા પરંતુ રાજ્યમાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધને ધ્યાનમાં રાખીને અકાલી દળે તેનો સાથ છોડી દીધો છે.
અકાલી દળે હવે બસપા સાથે ગઠબંધન કરી લીધું છે, જ્યારે આમ આદમી પાર્ટી (આપ) પણ કોંગ્રેસમાંથી સત્તા છીનવવાનો પ્રયાસ કરી રહી છે.
સંગઠનના મહામંત્રીએ પાર્ટીના પ્રદેશ નેતાઓ અને અન્ય લોકો સાથે બેઠક પણ યોજી અને રાજ્યની રાજનીતિની ચર્ચા કરવામાં આવી હતી.
સંતોષે પાર્ટીના કાર્યકરોને સંબોધતા કહ્યું કે દેશમાં BJPની લહેર છે અને પંજાબના લોકો રાજ્યમાં પણ BJP સરકાર બનાવવા માટે ઉત્સુક છે. સંતોષે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી રાજ્યની તમામ 117 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી પોતાના દમ પર લડશે અને લોકોના સહયોગથી 2022 ની વિધાનસભાની ચૂંટણી જીતશે.
સંગઠનના મહામંત્રીએ જણાવ્યું કે કૃષિ કાયદાઓ વિરુદ્ધનાં વિરોધનો ખોટો પ્રચાર ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે, કેમ કે ખેડૂતોને સમજાયું છે કે આ કાયદાઓથી સમૃધ્ધિ આવશે.
પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ વીજળી અને તેના વપરાશને લઈને કેટલીક જાહેરાત કરવામાં આવી છે. જો કે જાણકારો અનુસાર પંજાબમાં આ વખતેની વિધાનસભાની ચૂંટણી રસપ્રદ રહેવાની શક્યતા છે. અને ચૂંટણીના પરિણામ આવ્યા પછી ગઠબંધન પણ થઈ શકે તેમ છે.