Homeગુજરાતીગુજરાતજામનગરમાં 27 દર્દીઓને કોલેરાના શંકાસ્પદ કેસથી હોસ્પિટલમાં ખસેડાયા

જામનગરમાં 27 દર્દીઓને કોલેરાના શંકાસ્પદ કેસથી હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર, 9 ફેબ્રુઆરી 2026:  શહેરના ધરારનગર વિસ્તારમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી. અને એક સાથે 27 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરીને બ્લડ-યુરિનના સેમ્પલ લઈને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.  બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીના નમૂના લેવા સહિતની આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે.

 જામનગર શહેરની સરકારી જીજી હોસ્પિટલમાં 27 દર્દીઓ ઝાડા અને પેટની બીમારીની સારવાર માટે દાખલ થયા છે. હાલ હોસ્પિટલમાં તબીબો દ્વારા તેમના જરૂરી પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. તમામ દર્દીના રોગના લક્ષણો કોલેરા જેવા જ હોવાનું જણાયું છે. હાલ 27 દર્દીઓ દાખલ છે, તેમાંથી સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓમાંથી મહત્તમ દર્દીઓ ધરાર નગર-1 ના વિસ્તારના હોવાનું જાણવા મળે છે. અમુક ધરાર નગર 2 ના પણ છે.

આ અંગેની જાણ થતાં જ મ્યુનિની આરોગ્ય વિભાગની ટીમ પણ દોડી ગઈ હતી. અને પીવાનું પાણી વહન કરતી પાઇપલાઇન લીકેજિંગ છે કે કેમ ? તેમજ ગટરના ગંદા પાણી પાઇપલાઇનમાં ઘુસી ગયા છે કે કેમ ? તે અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી આનુસંગિક કામગીરી પણ આરોગ્ય વિભાગે હાથ ધરી છે. ઉપરાંત ભૂગર્ભ ગટર શાખા અને સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા સફાઈ કામગીરી પણ કરવામાં આવી રહી છે. સ્થાનિક વિસ્તારના લોકોના ઘરે ઘરે જઈને આરોગ્ય વિષયક ચકાસણી કરવામાં આવી રહી છે. અને જરૂરી દવાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ શહેરનો ધરારનગર એકનો વિસ્તાર હાલ કોલેરાની ઝપટે ચડી ગયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular