
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 55 દિવસમાં પોલીસ દ્વારા 5756 કિલો જેટલુ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે 58 જેટલા કેસ કરીને 90 આરોપીઓને ઝડપી લીધા છે. એટલું જ નહીં ડ્રગ્સના નેટવર્કને તોડી નાખવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની આ કામગીરીના વખાણ કર્યાં હતા. તેમજ તેમને ખાખી યુનિફોર્મમાં સજ્જ પોલીસ જવાનોને સુપરહિરો ગણાવ્યાં હતા. આ ઉપરાંત ગુજરાતમાં કોઈ પણ રીતે ડ્રગ્સને ચલાવી નહીં લેવાય તેવો સ્પષ્ટ સંકેત પણ આપ્યો હતો.
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકામાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી લેવાયું છે. લોકલ પોલીસ દ્વારા કદાચ પ્રથમવાર આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. રાજ્યમાં 48 કલાકમાં દ્વારકા ઉપરાંત અમદાવાદ અને સુરતમાં ડ્રગ્સ સાથે પેડલરને પકડી લેવાયાં છે. આ ઉપરાંત છોટા ઉદેપુરમાં ગાંજાની ખેતી પકડી લેવામાં આવી છે. ડ્રગ્સના નેટવર્કને પકડી લેવા માટે સ્થાનિક પોલીસની ટીમ દિવસો સુધી કામગીરી કરે છે. રાજ્યના પોલીસ વડાના આગેવાની હેઠળ ડ્રગ્સની તસ્કરી અટકાવવા માટે એક નીતિ બનાવવામાં આવી છે. જે હેઠળ બાતમીદારોની સંખ્યામાં વધારો થયો છે. જેથી પોલીસને ડ્રગ્સના કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે.
તેમણે ગુજરાત પોલીસને શુભેચ્છા પાઠવીને તેમની સરખામણી સુપરહિરો સાથે કરી હતી. આ ઉપરાંત રાજ્યની જનતાને પણ ડ્રગ્સની હેરાફેરી અને તેના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસને મદદ કરવા અપીલ કરી હતી. તેમજ પોતાના સંતાનોને ડ્રગ્સના દુષણથી દુર રાખવા માટે અપીલ કરી હતી.
(PHOTO-FILE)