 
                                    ભાવનગર, પાલિતાણા અને મહુવા યાર્ડમાં કપાસ,મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતો ખૂશખૂશાલ
ભાવનગરઃ જિલ્લામાં ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયું છે. દિવાળી બાદ ભાવનગર, મહુવા અને પાલીતાણાના માર્કેટ યાર્ડો ફરી ધમધમતા થયા છે. ચોમાસાના બે મુખ્ય પાક મગફળી અને કપાસના વેચાણ માટે ખેડૂતોનો ધસારો વધ્યો છે. જો કે મહુવા યાર્ડમાં મગફળીની આવક વધી જતા ગુરૂવારથી મગફળી લાવવા પર પ્રતિબંધ ફરમાવાયો હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગર યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં કપાસ અને મગફળી બંનેને વધુ વરસાદના કારણે નુકશાન થયું હતું. છતા ઉત્પાદન પ્રમાણમાં સારૂ છે. અને ખેડુતોને ભાવ સારા મળી રહ્યા છે. એટલે ખેડૂતનું વર્ષ સરભર થઈ રહ્યું છે. સારા કપાસના બજારમાં આ વખતે રેકોર્ડ બ્રેક એવા 1600 થી 1700 ના ભાવે વેચાઇ રહ્યો છે તો મગફળી સરકારે 1110 ભાવ નક્કી કર્યા છે પણ ખુલ્લા બજારમાં 1200 થી વધુ ભાવે મગફળી વેચાતી હોય યાર્ડમાં ખેડૂતો મગફળી ઓછી વેચશે એવી પણ સંભાવના છે. જોકે પાલીતાણાના 350 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કર્યું છે પણ ટેકાના ભાવ 1110 સામે બજારમાં 1200 થી 1300 ભાવ હોય યાર્ડમાં આવક ઓછી થવાની સંભાવના રહેલી છે.
જિલ્લાના મહુવા માર્કૈટીંગ યાર્ડમાં મગફળીની અધધ આવકથી યાર્ડ ઉભરાયું છે. માર્કેટીંગ યાર્ડમાં મગફળીની એક જ દિવસમાં 25,599ગુણીની એટલે કે અંદાજે 9 લાખ કીલોની ભારે આવક થઈ હતી. યાર્ડમાં 11,400 ગુણીનું વેચાણ થયુ હતું. દરમિયાન મહુવા યાર્ડમાં મગફળીની આવક વધી ગઈ હોવાથી નવી જાહેરાત ન થાય ત્યા સુધી મગફળીની આવકને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હોવાની યાર્ડના સેક્રેટરીએ જાહેર કરી હતી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

