
આર્થિક મુશ્કેલીમાં ધકેલાયેલા શ્રીલંકાની રાજકીય પરિસ્થિતિ ઉપર ભારતની નજર
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ભારત સરકાર દ્વારા શ્રીલંકાને જરૂરી મદદ કરવામાં આવી રહી છે. તેમજ શ્રીલંકાની રાજકીય પરિસ્થિતિ ઉપર ભારતની સતત નજર મંડાયેલી છે. શ્રીલંકની આર્થિક પરિસ્થિતિ માટે ચીન જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે અને હવે તેના પર પરોક્ષ રીતે કબજો જમાવે તેવી ભીતી સેવાઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકા ભયાનક આર્થિક અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે તેના કારણે ભારતના નેતાઓ અને રાજદ્વારીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. મહીન્દ્રા રાજપક્ષે અને તેના પરિવાર દ્વારા આચરવામાં આવેલા બેલગામ ભ્રષ્ટાચારે શ્રીલંકાને આર્થિક પાયમાલ બનાવી દીધું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડી ભાગી જાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
રાજપક્ષેની સરકાર ધરાશાયી થયા બાદ પ્રધાનમંત્રી બનેલા રેલીન વિક્રમસિંઘેએ પણ ગણતરીના દિવસોમાં રાજીનામુ આપી દીધું છે. આજથી 10 વર્ષ પહેલાં શ્રીલંકાની આર્થિક વ્યવસ્થા ખૂબ સારી હતી. એશિયાનું બીજું સીંગાપોર બનશે એવું કહેવામાં આવી રહ્યું હતું પરંતુ રાજપક્ષે પરિવારના ભ્રષ્ટાચારે અને કટ્ટરવાદે સંપૂર્ણ ચિત્ર ઉલ્ટાવી નાખ્યું હતું..
અરાજકતામાં ધકેલાયેલું શ્રીલંકા ક્યાંક ભારત વિરોધી શક્તિઓના હાથમાં જતું ન રહે તેની ચિંતા ભારત સહિત દુનિયાના અનેક દેશો છે. જો તે ભારત વિરોધી શક્તિઓના હાથમાં જતું રહે તો ભારતની સુરક્ષા સામે ખતરો ઊભો થાય. ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોની નજર હાલ શ્રીલંકાની પરિસ્થિતિ ઉપર મંડાયેલી છે.